ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતમાં હાઈ-સ્પીડ હાઈવે માટે નવા નિયમો, થરાદ-અમદાવાદ કોરિડોરને મળશે મોટો ફાયદો

NHAI New Guidelines: ગુજરાતમાં ચોમાસા દરમિયાન નુકસાન પામેલા રસ્તા અને હાઈવેના રિપેરિંગ કામનો મુદ્દો હાલમાં ચર્ચામાં છે. આ વચ્ચે હવે ભવિષ્યમાં બનનારા હાઈ-સ્પીડ નેશનલ હાઈવેને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે ડિઝાઇન કરવાની તૈયારી કરવામાં આવી છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ એક્સપ્રેસવે સિવાયના હાઈ-સ્પીડ એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઈવે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નિયમો 4 લેન અને 6 લેનના ગ્રીનફિલ્ડ તેમજ બ્રાઉનફિલ્ડ હાઈવે પ્રોજેક્ટને લાગુ થશે.

ટ્રાફિક પ્રમાણે નક્કી થશે હાઈવેની લેન

નવી માર્ગદર્શિકા હેઠળ ભવિષ્યમાં માર્ગ પર કેટલો ટ્રાફિક રહેવાની શક્યતા છે તેના આધારે હાઈવેની લેન અને કોરિડોરની પહોળાઈ નક્કી કરવામાં આવશે.

દિવસ દરમિયાન અંદાજે 15 હજાર સુધીના વાહનોનો ટ્રાફિક હોય તેવા માર્ગ માટે 4 લેનનો હાઈવે અને આશરે 60 મીટર પહોળો કોરિડોર બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. વધુ વાહન પ્રવાહ ધરાવતા રસ્તાઓ માટે કોરિડોરની પહોળાઈ 70 મીટર સુધી રાખવામાં આવશે.

જ્યારે 25 હજારથી 40 હજાર વાહનોનો ટ્રાફિક રહેવાની શક્યતા ધરાવતા માર્ગો માટે 6 લેનના હાઈવેનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતનો થરાદ-અમદાવાદ હાઈ-સ્પીડ કોરિડોર મહત્વનો

નવી માર્ગદર્શિકા ગુજરાત માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ 214 કિલોમીટર લાંબો 6 લેન હાઈ-સ્પીડ કોરિડોર પણ આ પ્રકારના મહત્વના પ્રોજેક્ટમાં સામેલ છે.

અંદાજે ₹10,534 કરોડના ખર્ચે તૈયાર થનારો આ કોરિડોર અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મુસાફરીના સમયમાં 60 ટકા સુધી ઘટાડાનો અંદાજ

સત્તાવાર અંદાજ મુજબ નવા હાઈ-સ્પીડ કોરિડોરના કારણે થરાદ અને અમદાવાદ વચ્ચેનું મુસાફરીનું અંતર લગભગ 20 ટકા ઘટી શકે છે. સાથે જ મુસાફરીના સમયમાં આશરે 60 ટકા સુધીનો ઘટાડો થવાનો અંદાજ છે.

આ કોરિડોર ઉત્તર ગુજરાત માટે ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાની સાથે રાજસ્થાન અને દેશના અન્ય મુખ્ય હાઈવે નેટવર્ક સાથે ગુજરાતની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે.

એરપોર્ટ, બંદર અને ઔદ્યોગિક વિસ્તારો સાથે સીધી કનેક્ટિવિટી

નવી માર્ગદર્શિકા અનુસાર હાઈ-સ્પીડ હાઈવેને એરપોર્ટ, બંદર અને મહત્વના ઔદ્યોગિક વિસ્તારો સાથે અસરકારક રીતે જોડવા માટે આધુનિક ઈન્ટરચેન્જ અને રેમ્પ તૈયાર કરવાના રહેશે.

હાઈવે પર અનધિકૃત વાહન પ્રવેશ, દબાણ અને રખડતાં પશુઓને રોકવા માટે બહારની ધાર પર આશરે એક મીટર ઊંચી બાઉન્ડ્રી વોલ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટોલ પ્લાઝા પર અટકવાની જરૂર નહીં પડે

નવા હાઈવે પર મલ્ટી-લેન ફ્રી-ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાની યોજના છે. તેના કારણે વાહનચાલકોએ ટોલ ભરવા માટે પરંપરાગત ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની જરૂર નહીં પડે અને ટ્રાફિકનો પ્રવાહ વધુ ઝડપી રહેશે.

આ ઉપરાંત વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે આધુનિક ડ્રેનેજ સિસ્ટમ તથા માર્ગની આસપાસ હરિયાળી વધારવા માટે ગ્રીન કોરિડોર વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

નવી માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ ભવિષ્યના વધતા ટ્રાફિકને પહોંચી વળવા સાથે હાઈવેને વધુ સુરક્ષિત, ઝડપી અને લાંબા ગાળે ઉપયોગી બનાવવાનો છે.

આ પણ વાંચો: આણંદ-બોરસદ રોડ પર ભયાનક અકસ્માત: બે બાઇક સામસામે અથડાતા 3 યુવાનોના મોત

Back to top button