નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, સવારથી જ સૌરાષ્ટ્ર પર મેઘમહેર

અમદાવાદ, તા. 1 ઓક્ટોબર, 2025: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.42 ટકા ભરાયેલો છે. રાજ્યના 206 જળાશયોમાં 95.05 ટકાનો જળસંગ્રહ છે. જ્યારે 152 ડેમ હાઇ એલર્ટ પર છે. 120 ડેમ 100 ટકા ભરાયેલા છે. 11 ડેમ એલર્ટ અને 14 ડેમ વોર્નિંગ પર છે. 57 ડેમ 70 થી 100 ટકા, 11 ડેમ 50 થી 70 ટકા ભરાયેલા છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 115.94 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 141.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.48 ટકા, પૂર્વ મધ્યમાં 115.79 ટકા, સૌરાષ્ટ્રમાં 104.68 ટકા, દક્ષિણ ગુજરાતમાં 122.19 ટકા વરસાદ વરસ્યો છે.
આજે સવારથી જ મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન થયા છે. બપોર સુધીમાં રાજ્યમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પોરબંદરમાં સૌથી વધુ 0.47 ઇંચ, માળીયા હાટીનામાં 0.43 ઇંચ, માણાવદરમાં 0.39 ઇંચ, માંગરોળ(જુનાગઢ)માં 0.31 ઇંચ, તાલાલામાં 0.31 ઇંચ, ભાણવડમાં 0.31 ઇંચ, કુતિયાણામાં 0.28 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફી ઠંડી હવાઓ ચાલી રહી છે, તો બીજી તરફ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતને અડીને આવેલા અરબી સમુદ્રમાં એક ડીપ ડિપ્રેશન એક્ટિવ થયું છે, સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે. જેની અસર આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશભરના મોટા ભાગના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થઈ છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થતા ઠેર ઠેર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ સિસ્ટમ હેઠળ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર, અમરેલી, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો વળી દક્ષિણ દરિયામાં માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. સાથે જ ઉત્તર અને દક્ષિણ દરિયામાં 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. હાલમાં વેલમાર્ક લો સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ છે. આજથી દરિયામાં ડિપ્રેશન બનશે. આ 3 સિસ્ટમ બનવાના કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.












