મહેસાણામાં IVF સારવાર દરમિયાન મહિલાનું મોત: ડોક્ટર અને સ્ટાફ હોસ્પિટલને તાળાં મારી ફરાર

Mehsana Vani IVF Centre Death Controversy: મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી વાણી IVF સેન્ટર હોસ્પિટલ ગંભીર વિવાદમાં સપડાઈ છે. કડી તાલુકાના મેડા આદરજ ગામના 33 વર્ષીય રમીલાબેન ચાવડાનું ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ની સારવાર દરમિયાન એનેસ્થેસિયા આપ્યા બાદ ભાનમાં ન આવતાં કરૂણ મોત નિપજ્યું છે. પરિજનોનો સંગીન આક્ષેપ છે કે ડોક્ટરની ઘોર બેદરકારીના કારણે જ રમીલાબેનનું મોત થયું છે. બનાવ બાદ હોસ્પિટલનો સ્ટાફ તાળાં મારીને ફરાર થઈ જતાં ભારે તંગદિલી સર્જાઈ છે.
1 માસથી ચાલતી હતી IVF સારવાર
મૃતક રમીલાબેનના લગ્નને 10 વર્ષનો સમય વીતી ગયો હતો અને સંતાનપ્રાપ્તિ માટે તેઓ છેલ્લા 1 માસથી વાણી IVF સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હતા. હોસ્પિટલ દ્વારા તેમને 10 સપ્ટેમ્બરના રોજ ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 15 સપ્ટેમ્બરની રાત્રે તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જઈને એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ભાનમાં આવ્યા જ ન હતા.
એનેસ્થેસિયા બાદ કટોકટી સર્જાઈ
આધુનિક એનેસ્થેસિયા પદ્ધતિમાં દર્દીના ધબકારા, બ્લડપ્રેશર, ઓક્સિજન લેવલ અને બ્લડ સર્ક્યુલેશન પર સતત નજર રાખી શકાય છે અને ઓપરેશનના 5 થી 7 મિનિટમાં દર્દી સભાન થઈ જતો હોય છે. જોકે, વાણી IVF ના ડોક્ટર કામિનીબેન પટેલ અને સ્ટાફથી સ્થિતિ ન સંભાળાતાં તેમણે મહેસાણાની અન્ય ખાનગી ICU હોસ્પિટલના ડોક્ટરોને ઘટનાસ્થળે બોલાવ્યા હતા અને મહિલાને તુરંત શિફ્ટ કરાયા હતા. જ્યાં 16 સપ્ટેમ્બરે વહેલી સવારે 3:30 વાગ્યે તેમનું મોત જાહેર કરાયું હતું.
મૃતકના ભાઈએ લગાવ્યો ગંભીર આક્ષેપ
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. મૃતકના ભાઈ લલિતભાઈએ આંસુ ભરી આંખે આક્ષેપ કર્યો હતો કે, “અમે બહેનને IVF માટે લાવ્યા હતા. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ ડોક્ટરની બેદરકારીના કારણે જે દવા અપાઈ તેનાથી બેનનું હૃદય બંધ થઈ ગયું. ICU માં શિફ્ટ કર્યા બાદ આજે બેનનું મોત થયું છે.”
હોસ્પિટલને તાળાં મારી ડોક્ટર અને સ્ટાફ ફરાર
ઘટના બાદ જ્યારે પરિજનો ડોક્ટર કામિનીબેન પટેલ પાસે ખુલાસો માગવા પહોંચ્યા, ત્યારે ડોક્ટર અને સ્ટાફ હોસ્પિટલને તાળું મારીને ફરાર થઈ ગયા હતા અને ફોન બંધ કરી દીધા હતા. આનાથી રોષે ભરાયેલા પરિવારે ચીમકી આપી છે કે જ્યાં સુધી ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી પ્રવીણભાઈએ પણ તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
PM રિપોર્ટ બાદ નોંધાશે કાયદેસરનો ગુનો
બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI ગઢવીએ જણાવ્યું હતું કે, હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક તબક્કે સારવાર દરમિયાન એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. જો ડોક્ટરની બેદરકારી સાબિત થશે તો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો: સુરતમાં ઝારખંડ પોલીસની મોટી સફળતા: જે પરિણીતાની હત્યાની ફરિયાદ નોંધાઈ હતી તે સુરતમાંથી જીવતી મળી












