ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ક્યાં છે? અશોક ગેહલોત સાથેની તસવીર વાયરલ, સોનિયા ગાંધીના પુસ્તકે જગાવી ચર્ચા

Jagdeep Dhankhar: દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમના કોઈ રાજકીય નિવેદનને કારણે નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરને કારણે ચર્ચા જાગી છે. તાજેતરમાં તબિયત લથડતાં ધનખડને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે તેમની મુલાકાત લીધી હતી. બંનેની મુલાકાતની તસવીરમાં સોનિયા ગાંધીનું નવું પુસ્તક જોવા મળતાં રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

સવારની વોક દરમિયાન અચાનક બેભાન થયા હતા ધનખડ

11 નવેમ્બર, 2026ના રોજ 75 વર્ષીય જગદીપ ધનખડ સવારની વોક દરમિયાન અચાનક બેભાન થઈને પડી ગયા હતા. તેઓ થોડી મિનિટો સુધી બેભાન રહ્યા હતા. ઘટનાની જાણ થતાં સુરક્ષાકર્મીઓ તેમને તાત્કાલિક નિવાસસ્થાને લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી AIIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના કાર્ડિયો-ન્યૂરો સેન્ટરમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

અશોક ગેહલોતે હોસ્પિટલમાં જઈ મુલાકાત લીધી

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે 13 નવેમ્બરે AIIMS હોસ્પિટલમાં જગદીપ ધનખડની મુલાકાત લઈને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. ગેહલોતે આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી અને ધનખડના ઝડપી સ્વાસ્થ્ય લાભ તથા દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. જોકે આ તસવીરમાં જોવા મળેલી એક વસ્તુએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

સોનિયા ગાંધીના પુસ્તકે જગાવી રાજકીય ચર્ચા

અશોક ગેહલોતે શેર કરેલી તસવીરમાં જગદીપ ધનખડના બેડની બાજુમાં આવેલા ટેબલ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીનું નવું પુસ્તક Belonging: A Journey of Love જોવા મળ્યું હતું. આ પુસ્તક 10 નવેમ્બરે પ્રકાશિત થયું હતું. પુસ્તકમાં સોનિયા ગાંધીએ પોતાના પ્રારંભિક જીવનથી લઈને રાજકીય સફર અને કોંગ્રેસ સાથેના અનુભવો અંગે લખ્યું છે. ભાજપના કેટલાક નેતાઓએ પુસ્તકમાં રજૂ કરાયેલી બાબતો સામે સવાલો ઉઠાવ્યા છે. એવામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિના બેડ પાસે આ પુસ્તક જોવા મળતાં સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. જોકે, ધનખડ પોતે આ પુસ્તક વાંચી રહ્યા હતા કે કેમ તેની પુષ્ટિ થઈ નથી.

અગાઉ પણ અનેક વખત બગડી ચૂકી છે તબિયત

જગદીપ ધનખડને અગાઉ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. માર્ચ 2025માં છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જૂન 2025માં નૈનીતાલની કુમાઉં યુનિવર્સિટીના કાર્યક્રમ દરમિયાન પણ તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત જાન્યુઆરી 2026માં પણ તેઓ પોતાના નિવાસસ્થાને બે વખત બેભાન થયા હોવાના અહેવાલ છે.

14 નવેમ્બરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

જગદીપ ધનખડને સારવાર અને જરૂરી તબીબી તપાસ બાદ 14 નવેમ્બરે AIIMS હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં તેમના હૃદય સંબંધિત વિવિધ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ધનખડે ઓગસ્ટ 2022થી 21 જુલાઈ 2025 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. જુલાઈ 2025માં તેમણે સ્વાસ્થ્યના કારણો દર્શાવી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચોઃ ભારતીય માર્કેટમાંથી ભાગી રહ્યા છે વિદેશી રોકાણકારો! જાણો શું છે કારણો

Back to top button