ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણી: આણંદ, સાબરકાંઠા, હળવદ અને જૂનાગઢમાં ભાજપનો ભવ્ય વિજય

ગુજરાતમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિજયી રથને આગળ ધપાવતાં તમામ બેઠકો પર ભવ્ય જીત નોંધાવી છે. આણંદ જિલ્લા પંચાયત, સાબરકાંઠા તાલુકા પંચાયત, હળવદ તાલુકા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટાચૂંટણીમાં વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

આણંદ જિલ્લા પંચાયત (પાળજ બેઠક) આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર સુમિત્રાબેન પટેલનો 5,717 મતોની જંગી લીડથી વિજય થયો છે. સુમિત્રાબેનને કુલ 10,021 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે કોંગ્રેસના જેસંગભાઈ પરમારને 4,304 મત અને આપ (AAP)ના અલ્પેશભાઈ પઢિયારને માત્ર 239 મત મળ્યા હતા.

સાબરકાંઠા તાલુકા પંચાયત (ટેબડા બેઠક) પોશીના તાલુકા પંચાયત હેઠળ આવતી ટેબડા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપંખીયો જંગ ખેલાયો હતો. પોશીના તાલુકા પંચાયતમાં ‘આપ’ની બહુમતી હોવા છતાં આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારે જોરદાર ટક્કર આપીને 77 મતોથી જીત હાસિલ કરી છે.

હળવદ તાલુકા પંચાયત (રણછોડગઢ બેઠક) હળવદની રણછોડગઢ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટી પાસેથી આ બેઠક આંચકી લીધી છે. પૂર્વ ‘આપ’ સદસ્યના અવસાન બાદ યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપના ભરત નંદેસરિયાનો 145 મતોથી વિજય થયો છે.

જૂનાગઢ મહાનગરપાલિકા (વોર્ડ નંબર 3) જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 3ની પેટાચૂંટણીમાં ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીએ 1,998 મતોની નોંધપાત્ર સરસાઈથી જીત મેળવીને પક્ષનો ઝંડો લહેરાવ્યો છે.

આ તમામ બેઠકો પરના પરિણામો દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે પોતાની પકડ વધુ મજબૂત બનાવી લીધી છે.

આ પણ વાંચો: અમદાવાદની શાન SG હાઈવે પર મોટા ખાડા પડ્યા, 3 મહિના પહેલા બનેલો રોડ પહેલા વરસાદમાં જ ધોવાયો

Back to top button