પૂર્વ IAS કે.રાજેશને સરકારે ફરજિયાત નિવૃત્તિના આદેશ આપ્યા, ભ્રષ્ટાચારના આક્ષેપો સામે મોટી કાર્યવાહી

Gandhinagar News: કે.રાજેશ ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી છે. તેઓ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો તથા CBI અને EDની કાર્યવાહીને કારણે ચર્ચામાં આવ્યા હતા. હવે તેમની સામે રાજ્ય સરકારે એક્શન લીધા છે. કે.રાજેશને સરકારે ફરજિયાત નિવૃત્તિના આદેશ આપ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે. તેમની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થઈ હતી.
ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી કે. રાજેશ સામે સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કે. રાજેશને પ્રિમેચ્યોર રિટાયર્ડમેન્ટ (ટર્મીનેટ) કરવામા આવ્યા છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રહેલા કે. રાજેશ લાંબા સમયથી સસ્પેન્ડ હતા અને તેમના વિરુદ્ધ CBI તથા ED દ્વારા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સંબંધિત તપાસ થઈ ચૂકી છે. કે. રાજેશને જુલાઈ 2022માં CBI દ્વારા ધરપકડ બાદ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા હતા. CBIની ચાર્જશીટ મુજબ તેમના પર સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન અયોગ્ય લોકોને હથિયાર લાઇસન્સ અપાવવા, સરકારી જમીનની ફાળવણી અને સરકારી જમીન પરના અતિક્રમણને નિયમિત કરવા બદલ કથિત લાંચ લેવાના આરોપો મૂકાયા હતા.
સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળમાં ગંભીર આરોપો
કે. રાજેશ એપ્રિલ 2018થી જૂન 2021 દરમિયાન સુરેન્દ્રનગરના કલેક્ટર રહ્યા હતા. આ સમયગાળાને લઈને તેમના વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ અને વહીવટી અનિયમિતતાની ફરિયાદો થઈ હતી. બાદમાં CBIએ તપાસ શરૂ કરી અને મે 2022માં તેમની સામે FIR નોંધવામાં આવી હતી.
CBIની તપાસમાં રૂ.98 હજારની કથિત લાંચ અને ભેટો અંગે પુરાવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ રકમ તેમના કથિત મધ્યસ્થી રફીક મેમણના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ કેસમાં ખોટા ઇન્વોઇસ બનાવવાના પણ આરોપો સામે આવ્યા હતા.
ચૂંટણી ખર્ચના ખાતામાં કરોડો જમા થયાનો પણ આરોપ
CBI તપાસ અંગેના અહેવાલોમાં એવો પણ દાવો થયો હતો કે સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે કે. રાજેશના કાર્યકાળ દરમિયાન ચૂંટણી ખર્ચના ખાતામાં આશરે રૂ.5 લાખની રકમ વધીને લગભગ રૂ.5 કરોડ થઈ હતી. તપાસ એજન્સીના સૂત્રોના હવાલાથી અહેવાલોમાં જણાવાયું હતું કે હથિયાર લાઇસન્સ અને માઇનિંગ-સેન્ડ ક્વેરી લીઝ સંબંધિત અરજદારો પાસેથી મળેલી કથિત લાંચની રકમ આ ખાતામાં જમા કરવામાં આવતી હતી.
CBI બાદ EDની પણ એન્ટ્રી
CBI કેસ બાદ EDએ પણ કે. રાજેશ સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. ઓગસ્ટ 2022માં EDએ તેમને કસ્ટડીમાં લીધા હતા. EDએ તેમની અને પરિવારના સભ્યોની સંપત્તિ તથા નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની જરૂરિયાત દર્શાવી હતી. ઓક્ટોબર 2022માં EDએ કે. રાજેશ અને સહઆરોપી રફીક મેમણ સામે PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ પણ દાખલ કરી હતી. EDના જણાવ્યા મુજબ સરકારી ફરજ બજાવવાના બદલામાં સામાન્ય લોકો પાસેથી ગેરકાયદે લાભ લેવાના આરોપોની તપાસ કરવામાં આવી હતી.
કોણ છે કે. રાજેશ?
કે. રાજેશ ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી છે અને મૂળ આંધ્રપ્રદેશના છે. તેમણે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું હતું અને UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 2010માં 103મો રેન્ક મેળવ્યો હતો. ગુજરાતમાં જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત બાદ સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી હતી. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા હતા.
આ પણ વાંચોઃ 1 કરોડથી વધુ ડાઉનલોડ્સ, દિલ્હી મેટ્રોની ‘સારથી’ એપ મુસાફરો માટે વિશ્વસનીય












