ગુજરાત: યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે કહી પરિજનો ભૂવો લઈ આવ્યા અને પછી…

- દાહોદમાં અંધશ્રદ્ધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
- એક યુવકનું દાહોદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
- આત્માને ઘરે લાવવા માટે આદિવાસી પરંપરા મુજબ ‘ગાતલા વિધિ’ કરવામાં આવી
દાહોદમાં અંધશ્રદ્ધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના એક યુવકનું દાહોદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યાર બાદ યુવકના પરિજનોને એવો વહેમ થયો કે, તેમના મૃતકની આત્મા હોસ્પિટલમાં ભટકી રહી છે અને તે ઘરે આવવા માટે તડપી રહ્યો છે.
માન્યતા પછી પરિવાર તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યો
આ માન્યતા પછી પરિવાર તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યો અને છેવટે આત્માને ઘરે લાવવા માટે આદિવાસી પરંપરા મુજબ ‘ગાતલા વિધિ’ કરવામાં આવી. પરિવારના સભ્યો ભૂવાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની બહાર ધૂણતા ધૂણતા, પૂજા પાઠ કરતા અને તંત્ર મંત્રના જાપ કરતા દેખાયા. આખી વિધિ બાદ આત્માનો ‘ગૃહપ્રવેશ’ કરાવવામાં આવ્યો હતો.
વિધિ દરમિયાન સામાન્ય લોકો સહિત તબીબો પણ ચોંકી ગયા
આ ‘ગાતલા વિધિ’ મુજબ, મૃતકના આત્માને પૂજા સાથે ઘરે લઈ જવાનું માનવામાં આવે છે, જેથી આત્માને શાંતિ મળે. આ ઘટનાએ વિસ્તારમાં ફરી એકવાર ચર્ચા જગાવી છે. દાહોદની હોસ્પિટલમાં આ વિધિ દરમિયાન સામાન્ય લોકો સહિત તબીબો પણ ચોંકી ગયા હતા.












