ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સસ્તા વાહનની લાલચ પડશે મોંઘી ! ઉત્તર ગુજરાતમાં નકલી પાર્ટ્સનું મોટું કૌભાંડ ઝડપાયું

Gujarat :દશેરા અને દિવાળીના તહેવારો ટાણે નવું વાહન ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો ઉત્તર ગુજરાતમાં સામે આવ્યો છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અનધિકૃત વાહન ડીલરો દ્વારા બજાર ભાવ કરતાં સસ્તા દરે નવાં ટુ-વ્હીલર વેચવાના બહાને ગ્રાહકો સાથે થતી મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. નવા વાહનોમાંથી કંપની ફિટેડ અસલ પાર્ટ્સ કાઢી લઈ તેની જગ્યાએ હલકી ગુણવત્તાના ડુપ્લિકેટ પાર્ટ્સ લગાવી વેચવામાં આવતા હોવાની ગંભીર ગેરરીતિ સામે આવતાં જીએસટી (GST) વિભાગે સપાટો બોલાવ્યો હોવાની માહિતી મળી રહી છે.

પાલનપુર અને સિદ્ધપુરની એજન્સીઓ રડારમાં

તપાસ દરમિયાન પાલનપુર સ્થિત કૈલાશ ઓટો તેમજ સિદ્ધપુર ખાતે કાર્યરત નેત્રા ઓટો અને એ.જે. ચૌહાણ ઓટો નામના અનધિકૃત ડીલરો શંકાના દાયરામાં આવ્યા છે. બાતમીના આધારે જીએસટી વિભાગની ટીમોએ આ સ્થળો પર દરોડા પાડી હિસાબી દસ્તાવેજો અને સ્ટોકની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક અનધિકૃત સબ-ડીલરો મોટો નફો કમાવા માટે આખું નેટવર્ક ચલાવી રહ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઓરિજિનલ ટાયર-સ્પેરપાર્ટ્સ બદલી સસ્તા ભાવે વેચવાની મોડસ ઓપરેન્ડી

આ ડીલરો કંપનીમાંથી આવતા નવા નક્કોર ટુ-વ્હીલરમાંથી ઓરિજિનલ ટાયર, સ્ટેન્ડ તેમજ અન્ય કિંમતી એસેસરીઝ અને પાર્ટ્સ કાઢી લેતા હતા. તેની જગ્યાએ લોકલ માર્કેટમાંથી લાવેલા સસ્તા, ડુપ્લિકેટ કે હલકી ગુણવત્તાના પાર્ટ્સ ફીટ કરી દેવાતા હતા. વાહનમાંથી નીકળેલા અસલ પાર્ટ્સને સ્પેરપાર્ટ્સ માર્કેટમાં ઊંચા ભાવે વેચી રોકડી કરી લેવાતી હતી, જ્યારે વાહનને સત્તાવાર ‘ઓન-રોડ’ કિંમત કરતાં ઓછા ભાવે ડિસ્કાઉન્ટ આપી ગ્રાહકોને પધરાવી દેવાતું હતું. ગ્રાહક સસ્તા વાહનની લાલચમાં છેતરાઈને પોતાની સુરક્ષા જોખમમાં મૂકી રહ્યો હોવાનો તેને અંદાજ પણ આવતો નહોતો.  ગ્રાહકને એવું લાગતું હતું કે તેને બજાર કરતાં સસ્તું નવું વાહન મળી રહ્યું છે, પરંતુ હકીકતમાં વાહનના અસલ પાર્ટ્સ સાથે ચેડાં થયાં હોવાનો આરોપ છે.

 

View this post on Instagram

 

કૌભાંડનું નેટવર્ક ઘણું મોટું હોવાની આશંકા

આ સમગ્ર ગેરરીતિ અંગેની ચોક્કસ બાતમી મળતાં જ જીએસટી (GST) વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવીને સંબંધિત સ્થળો પર દરોડા પાડ્યા છે અને હિસાબી ચોપડા તેમજ સ્ટોકની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૌભાંડનું નેટવર્ક ઘણું મોટું હોવાની આશંકા છે, જેથી આવાં ખોટાં કામોમાં સંડોવાયેલા અન્ય અનધિકૃત વાહન ડીલરો સામે પણ ટૂંક સમયમાં કડક કાનૂની સકંજો કસાય તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચો: ‘રામાયણમ્’ના ટ્રેલર લોન્ચમાં રણબીરનો રોયલ અંદાજ, ₹78 લાખની ઘડિયાળ બની આકર્ષણ

 

આ સમગ્ર ઘટના બાદ હવે સૌથી ગંભીર ચિંતા એ બાબતે ઊભી થઈ છે કે માત્ર થોડા રૂપિયાની બચતની લાલચમાં અત્યાર સુધી કેટલા નિર્દોષ ગ્રાહકો આ કૌભાંડનો ભોગ બની ચૂક્યા હશે?

ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આવા નફાખોર અનધિકૃત સબ-ડીલરોનું નેટવર્ક કેટલું ઊંડું વિસ્તરેલું છે અને હજુ પણ આવા કેટલા લેભાગુ તત્વો ખુલ્લેઆમ ગ્રાહકોની સુરક્ષા સાથે રમત રમી રહ્યા છે, તે દિશામાં વહીવટી તંત્ર અને તપાસ એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

અધિકૃત ડીલર પાસેથી જ વાહન ખરીદવા અપીલ

તહેવારો દરમિયાન આવી છેતરપિંડીનો ભોગ બનવાથી બચવા માટે વાહન ખરીદતી વખતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

વાહન હંમેશાં કંપની દ્વારા માન્યતા પ્રાપ્ત (ઓથોરાઇઝ્ડ) ડીલર પાસેથી જ ખરીદો.

ડિલિવરી લેતી વખતે ટાયરની બ્રાન્ડ, મેન્યુફેક્ચરિંગ ડેટ અને સ્પેરપાર્ટ્સની યોગ્ય ચકાસણી કરો.

વાહનના પાકા જીએસટી બિલ, ચેસિસ-એન્જિન નંબર અને અધિકૃત વોરંટી કાર્ડની વિગતો મેળવી લીધા બાદ જ પૂરી રકમ ચૂકવો.

આ પણ વાંચો:  ગુજરાતને કેન્દ્રની ભેટ! 1000 મેગાવોટ વધારાની વીજળીની ખાતરી

Back to top button