નર્મદા કેનાલમાં ડૂબતી મહિલાને પોલીસે મોતના મુખમાંથી બહાર કાઢી, ગણતરીની મિનિટોમાં બચાવ્યો જીવ

Gujarat Police Bravery: ‘ખાખી’ની સજાગતા અને બહાદુરીના કારણે આજે એક મહિલાનો જીવ બચી ગયો છે. ગાંધીનગરના કરાઈ સ્થિત ગુજરાત પોલીસ એકેડમીમાં આસિસ્ટન્ટ ડ્રિલ ઈન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા અનિલ પટેલે પોતાની જીવની પરવા કર્યા વગર કેનાલમાં કૂદીને ડૂબતી મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી. આ સાહસિક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પોલીસ જવાન પર ફિટકારને બદલે ગર્વ અને પ્રશંસાની વર્ષા કરી રહ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
અનિલ પટેલ સવારે આશરે 6:30 વાગ્યે પોતાની નિયમિત ફરજના ભાગરૂપે કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર પાણીમાં ડૂબી રહેલી એક મહિલા પર પડી હતી. કશું જ વિચાર્યા વગર તેમણે તાત્કાલિક કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ દરમિયાન કેમ્પમાં હાજર તેમના અન્ય સાથી પોલીસકર્મીઓ પણ મદદે દોડી આવ્યા હતા.
10 મિનિટનું રેસ્ક્યૂ ઓપરેશન
અનિલ પટેલે જણાવ્યું કે, “જો અમે બે મિનિટ પણ મોડા પડ્યા હોત તો મહિલાનો જીવ બચાવવો મુશ્કેલ હતો. સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન 10 મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. મહિલા બેભાન હોવાથી તેને બહાર કાઢીને પ્રાથમિક સારવાર આપી ફેફસામાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.”
રાજ્યનું ગૌરવ છે અનિલ પટેલ
અનિલ પટેલ માત્ર એક નિષ્ઠાવાન પોલીસ અધિકારી જ નથી, પરંતુ એક કુશળ રમતવીર પણ છે. તેમણે 2025ની યોગાસન નેશનલ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. તેમની આ બહાદુરીએ ગુજરાત પોલીસના ગૌરવમાં વધુ એક છોગું ઉમેર્યું છે.
આ પણ વાંચોઃ કોર્પોરેટ જગતમાં ધર્માંતરણનો ખળભળાટ: TCS બાદ અમૃતા ફડણવીસનો એક્સિસ બેંક પર મોટો દાવો
આ પણ વાંચોઃ દેશમાં વધતા માર્ગ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટ કડક, જાણો કયા નવા નિયમો અમલમાં મૂકવાના આદેશ આપ્યા
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












