ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

Heavy rain forecast in Gujarat : ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતા હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે મહત્વપૂર્ણ નાઉકાસ્ટ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરી છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં 41થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની સંભાવના પણ વધુ છે.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અસર

ભરૂચ, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ અને બોટાદ જિલ્લામાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને 40 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

172 તાલુકામાં નોંધાયો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ 12.64 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ વરસ્યો હતો.

તે ઉપરાંત કેશોદમાં 10.94 ઇંચ, પાટણ-વેરાવળમાં 10.08 ઇંચ, માળિયા હાટીનામાં 9.13 ઇંચ, માણાવદરમાં 9.06 ઇંચ અને કડીમાં 8.86 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે અને નાગરિકોને સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા અપીલ કરી છે.


Back to top button