
GSEB Board Exam: આજ (26 ફેબ્રુઆરી, 2026)થી ગુજરાત રાજ્યભરમાં ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. આ વર્ષ 2026 માટે કુલ 16 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10 માટે લગભગ 9.07 લાખ વિદ્યાર્થી તથા ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 5.01 લાખથી વધુ જ્યારે 1.19 લાખ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી સામેલ છે.
આજે ધોરણ 10 અને 12માં આ વિષયનું પેપર
આજે ધોરણ 10મા પ્રથમ ભાષાનું પેપર લેવામાં આવશે, જેમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ, સિંધી, તમિલ, તેલુગુ અને ઉડિયા વિષયનું વિદ્યાર્થીઓ પેપર આપશે. આ પેપર સવારે 10 લાગ્યાથી બપોરે 1:15 વાગ્યા સુધી યોજાશે. પ્રથમ દિવસે 12મા ધોરણના વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર (વિજ્ઞાન પ્રવાહ) અને સહકાર પંચાયત (સામાન્ય/વાણિજ્ય પ્રવાહ) જેવા મુખ્ય વિષયોની પરીક્ષા આપશે.
વિદ્યાર્થીઓ કંટ્રોલરુમ પર ફોન કરી શકશે
વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન જિલ્લાના કંટ્રોલરૂમ પર ફોન નંબર 079 23220314 પર સંપર્ક કરી શકાશે. જે જાહેર રજાઓ સહિત સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ઉપરાંત રાજ્ય કક્ષાએ હેલ્પ લાઇન નંબર 18002335500 આપવામાં આવ્યો છે. તમામ દિવસોમાં સવારે 10થી સાજે 6.30 સુધી કાર્યરત રહેશે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં 70થી વધુ ફ્લાઈંગ સ્ક્વોડ ગેરરીતિ રોકવા તેમજ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે.
બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ સૂચના
આ વર્ષે રાજ્યમાં ધોરણ 10 માટે 1006 પરીક્ષા કેન્દ્રો અને ધોરણ 12 માટે 695 કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે તેઓ હોલ ટિકિટ અને ઓળખપત્ર સાથે પરીક્ષા કેન્દ્ર પર સમયસર હાજર રહે, અને OMR શીટને ધ્યાનથી ભરે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર સખત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરીક્ષા પ્રક્રિયા પારદર્શક રહે તે માટે રાજ્યભરના તમામ પરીક્ષા કેન્દ્રોના વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગેરરીતિ અટકાવવા માટે તંત્ર કડક દેખરેખ રાખશે. વિદ્યાર્થીઓને પણ ગેરરીતિથી દૂર રહેવાની અને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી
રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે સુચન કર્યું છે કે પરીક્ષા સમયગાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શાંતિપૂર્ણ માહોલ રાખવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થી અને વાલીઓને કહ્યું કે, પરીક્ષા નિર્વિઘ્ન અને ભયમુક્ત રીતે આપવી અને દર વર્ષે વધતી પરીક્ષા સંખ્યાને ધ્યાનમાં રાખીને બોર્ડે વ્યવસ્થાપન અને માર્ગદર્શિકામાં સુવિધાઓ વધુ મજબૂત બનાવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત બોર્ડની પરીક્ષા માટે પોલીસ બનશે વિદ્યાર્થીઓની ‘સારથી’












