ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોનિયા ગાંધીના નવા પુસ્તકમાં 55 ભૂલોનો દાવો: ગુજરાતની રાજધાની, કારગિલ યુદ્ધ અને રાહુલ ગાંધીના કેસની વિગતોમાં ગડબડ

sonia gandhi book: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીનું નવું પુસ્તક Belonging: A Journey of Love પ્રકાશિત થતાં જ ચર્ચામાં આવ્યું છે. પોતાના અંગત જીવન, રાજીવ ગાંધી સાથેના લગ્ન, ગાંધી પરિવારની રાજકીય સફર અને જીવનની સંવેદનશીલ ઘટનાઓનું વર્ણન કરતું આ પુસ્તક હવે તથ્યાત્મક ભૂલોના કારણે વિવાદમાં સપડાયું છે. ઈન્ડિયા ટુડે દ્વારા પુસ્તકની કરવામાં આવેલી વિસ્તૃત તપાસમાં 55 જેટલી તથ્યાત્મક અને સંદર્ભલક્ષી ભૂલો તથા વિસંગતતાઓ દર્શાવવામાં આવી છે. તેમાં લોકસભા ચૂંટણીનાં પરિણામો, ગુજરાતની રાજધાની, કારગિલ યુદ્ધ, સંસદીય પ્રક્રિયા અને અદાલતી ચુકાદાઓ જેવી મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય છે.

આજે દિલ્હીમાં પુસ્તકનો ઔપચારિક વિમોચન સમારોહ

સોનિયા ગાંધીનું પુસ્તક 10 નવેમ્બર, 2026થી બજારમાં ઉપલબ્ધ થયું છે. તેનો ઔપચારિક વિમોચન સમારોહ સોમવારે (16 નવેમ્બર) નવી દિલ્હીની ITC મૌર્ય હોટેલમાં યોજાવાનો છે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના આગેવાનો ઉપસ્થિત રહેવાની માહિતી સામે આવી છે. પુસ્તકમાં સોનિયા ગાંધીએ ઇટાલીના એક નાના શહેરમાંથી ભારતના સૌથી જાણીતા રાજકીય પરિવારમાં પહોંચવા સુધીની પોતાની જીવનયાત્રાનું વર્ણન કર્યું છે. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા બાદ પરિવારને પડેલા આઘાત અને રાજકારણમાં પોતાની ભૂમિકા અંગે પણ તેમણે લખ્યું છે. જોકે તેમના અંગત સંસ્મરણોની સાથે રજૂ થયેલી ઐતિહાસિક વિગતોમાં કેટલીક સ્પષ્ટ ભૂલો સામે આવી છે.

અમદાવાદને ગુજરાતની રાજધાની ગણાવતાં સવાલ

પુસ્તકમાં 2002ના ગુજરાત રમખાણો અંગેના વર્ણનમાં અમદાવાદને ગુજરાતની રાજધાની તરીકે દર્શાવવામાં આવ્યું છે. હકીકતમાં વર્ષ 1970થી ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. આ ઉપરાંત ગોધરાકાંડનું વર્ણન કરતાં સાબરમતી એક્સપ્રેસના ચાર ડબાઓને આગ લગાડવામાં આવી હોવાનું લખાયું છે. જ્યારે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ થયેલી દુર્ઘટનામાં જીવલેણ આગ ટ્રેનના S-6 કોચમાં લાગી હતી. ગુજરાતના રાજકીય ઇતિહાસ સાથે જોડાયેલી આ બંને બાબતો અંગે પુસ્તકની તથ્યચકાસણી સામે સવાલો ઊભા થયા છે.

RSSની સ્થાપના 1921માં નહીં, 1925માં થઈ હતી

પુસ્તકના 24મા પ્રકરણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની સ્થાપના વર્ષ 1921માં થઈ હોવાનું જણાવાયું છે. જોકે RSSની સ્થાપના ડૉ. કેશવ બળિરામ હેડગેવારે 27 સપ્ટેમ્બર, 1925ના રોજ નાગપુરમાં કરી હતી. આ ઉપરાંત અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની શરૂઆત 2012માં થઈ હોવાનું પુસ્તકમાં જણાવાયું છે. હકીકતમાં વર્ષ 2011માં જન લોકપાલની માગ સાથે શરૂ થયેલા આંદોલને રાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી હતી. અન્ના હજારેએ 5 એપ્રિલ, 2011ના રોજ દિલ્હીના જંતરમંતર ખાતે અનશન શરૂ કર્યું હતું.

અહેમદ પટેલના અવસાનનું વર્ષ પણ ખોટું

સોનિયા ગાંધીના લાંબા સમય સુધી રાજકીય સચિવ અને વિશ્વાસુ સાથી રહેલા અહેમદ પટેલના અવસાનની તારીખ અંગે પણ પુસ્તકમાં ભૂલ સામે આવી છે. પુસ્તકના 29મા પ્રકરણમાં અહેમદ પટેલનું કોવિડ-19ને કારણે વર્ષ 2022માં અવસાન થયું હોવાનું જણાવાયું છે. જ્યારે ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું 25 નવેમ્બર, 2020ના રોજ અવસાન થયું હતું. અહેમદ પટેલ લાંબા સમય સુધી કોંગ્રેસના મહત્ત્વના રણનીતિકાર રહ્યા હતા. સોનિયા ગાંધીના નજીકના સહયોગી હોવા છતાં તેમના અવસાનનું વર્ષ ખોટું દર્શાવવામાં આવતાં પુસ્તકની સંપાદકીય ચકાસણી અંગે ચર્ચા શરૂ થઈ છે.

2014 અને 2019ની લોકસભા ચૂંટણીના આંકડા ભેળવાયા

પુસ્તકમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 282 બેઠકો મળી હોવાનો ઉલ્લેખ સાચો છે, પરંતુ એ જ ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા NDAને 353 બેઠકો મળી હોવાનું જણાવવામાં આવ્યું છે. હકીકતમાં 2014માં NDAને 336 બેઠકો મળી હતી, જ્યારે 353 બેઠકોનો આંકડો 2019ની લોકસભા ચૂંટણીનો છે. આમ, બે અલગ ચૂંટણીઓનાં પરિણામો એકબીજા સાથે ભેળવાઈ ગયાં હોવાનું સામે આવ્યું છે. 1984ની લોકસભા ચૂંટણી અંગે પણ પુસ્તકમાં એક જગ્યાએ કોંગ્રેસની 405 બેઠકો અને બીજી જગ્યાએ 404 બેઠકોનો ઉલ્લેખ કરાયો છે.

કારગિલ યુદ્ધના ઘટનાક્રમમાં પણ મોટી વિસંગતતા

વર્ષ 1999ના કારગિલ યુદ્ધ અંગે પુસ્તકમાં કરવામાં આવેલું વર્ણન પણ ચર્ચામાં છે. તેમાં જણાવાયું છે કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના આમંત્રણથી ઇસ્લામાબાદમાં હતા, ત્યારે લદ્દાખના ભરવાડ તાશી નામગ્યાલે પાકિસ્તાની ઘૂસણખોરોને જોયા હતા. જોકે વાજપેયીની ઐતિહાસિક પાકિસ્તાન મુલાકાત 20 અને 21 ફેબ્રુઆરી, 1999ના રોજ લાહોર ખાતે થઈ હતી. જ્યારે તાશી નામગ્યાલે ઘૂસણખોરોને 3 મે, 1999ના રોજ જોયા હતા. એટલે બંને ઘટનાઓ વચ્ચે બે મહિનાથી વધુનો સમયગાળો હતો. પુસ્તકમાં ભારતીય સૈનિકોએ 10 મહિનામાં કબજામાં લેવાયેલો વિસ્તાર પાછો મેળવ્યો હોવાનું પણ જણાવાયું છે. હકીકતમાં કારગિલ યુદ્ધ મે મહિનાથી જુલાઈ 1999 દરમિયાન ચાલ્યું હતું. ભારત દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરે છે. આ ઉપરાંત એપ્રિલ 1999માં વાજપેયી સરકાર અવિશ્વાસ પ્રસ્તાવમાં હારી હોવાનું લખાયું છે. હકીકતમાં સરકારે પોતે રજૂ કરેલો વિશ્વાસ પ્રસ્તાવ એક મતથી ગુમાવ્યો હતો. સરકારની તરફેણમાં 269 અને વિરોધમાં 270 મત પડ્યા હતા.

રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં અદાલતની વિગતો ખોટી

રાહુલ ગાંધી સામેના ફોજદારી માનહાનિના કેસમાં પણ કાનૂની ભૂલો દર્શાવવામાં આવી છે. પુસ્તકમાં વર્ષ 2023માં કેસ દાખલ થયો હોવાનું અને ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી હોવાનું જણાવાયું છે. હકીકતમાં રાહુલ ગાંધીએ એપ્રિલ 2019માં ચૂંટણીપ્રચાર દરમિયાન કરેલી ટિપ્પણીના સંબંધમાં તે જ વર્ષે ફરિયાદ દાખલ થઈ હતી. 23 માર્ચ, 2023ના રોજ સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા સંભળાવી હતી.

ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે દોષિત ઠરાવવાના ચુકાદા પર રોક લગાવવાની માગણી ફગાવી હતી. જોકે 4 ઓગસ્ટ, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે દોષિત ઠરાવવાના ચુકાદા પર રોક લગાવી હતી અને 7 ઓગસ્ટે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થયું હતું. પુસ્તકમાં આ સમગ્ર પ્રક્રિયા એક વર્ષ બાદ પૂર્ણ થઈ હોવાનું જણાવાયું છે, જ્યારે હકીકતમાં આ કાર્યવાહી થોડા મહિનામાં પૂર્ણ થઈ હતી.

નેલ્સન મંડેલા અને ચીનના નેતાઓના ઉલ્લેખમાં પણ ભૂલો

આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે પણ પુસ્તકમાં કેટલીક વિસંગતતાઓ છે. સોનિયા ગાંધીના વર્ણનમાં નેલ્સન મંડેલા વર્ષ 1991માં ભારત રત્ન સ્વીકારવા ભારત આવ્યા હોવાનું લખાયું છે. જોકે તેમની ભારત મુલાકાત ઓક્ટોબર 1990માં થઈ હતી. વર્ષ 1994માં મંડેલાના રાષ્ટ્રપતિ તરીકેના શપથગ્રહણ સમારોહમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રપતિ આર.કે. નારાયણે કર્યું હોવાનું જણાવાયું છે. હકીકતમાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ કે.આર. નારાયણને કર્યું હતું. રાજીવ ગાંધીની 1988ની ચીન મુલાકાત વખતે ડેંગ શિયાઓપિંગને ચીનના રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. જોકે તે સમયે યાંગ શાંગકુન ચીનના રાષ્ટ્રપતિ હતા, જ્યારે ડેંગ શિયાઓપિંગ દેશના સર્વોચ્ચ નેતા અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અંગત સંસ્મરણો મહત્ત્વના, પરંતુ ઐતિહાસિક ચોકસાઈ પર સવાલ

સોનિયા ગાંધીનું પુસ્તક તેમના અંગત જીવન અને રાજકીય સફરની અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓને ઉજાગર કરે છે. તેમાં રાજીવ ગાંધી સાથેના સંબંધો, ઇન્દિરા ગાંધી સાથેનું પારિવારિક જીવન, પરિવારની દુર્ઘટનાઓ અને રાજકારણમાં પ્રવેશ અંગેના અનુભવોને સ્થાન આપવામાં આવ્યું છે. જોકે જાહેર જીવન અને દેશના રાજકીય ઇતિહાસને સ્પર્શતી ઘટનાઓનું વર્ણન કરતાં તથ્યોની ચોકસાઈ પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે.  તપાસમાં 55 જેટલી તથ્યાત્મક અને સંદર્ભલક્ષી વિસંગતતાઓ દર્શાવવામાં આવી છે. આ તમામ મુદ્દા એકસરખા ગંભીર નથી અને ભૂલો ઇરાદાપૂર્વક કરવામાં આવી હોવાનું પણ સાબિત થતું નથી.

બીજી તરફ પુસ્તકના ઐતિહાસિક વર્ણન અંગે ભાજપે રાજકીય ટીકા કરી છે, જ્યારે કોંગ્રેસે પુસ્તકને રાજકીય વિવાદમાં ખેંચવાના પ્રયાસો સામે વાંધો વ્યક્ત કર્યો છે. આ સ્થિતિમાં સોનિયા ગાંધીના અંગત સંસ્મરણોની સાથે પુસ્તકની તથ્યચકાસણી અને સંપાદકીય જવાબદારી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચોઃ અનંત અંબાણીની ₹14 કરોડની ઘડિયાળ ચર્ચામાં: અંદર પોતાની જ મૂર્તિ, સિંહ-વાઘ અને 397 રત્નો, જાણો શું છે ખાસ
Back to top button