
Gujarat Borad Exam: આવતીકાલથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પોલીસ વિદ્યાર્થીઓ માટે ‘સારથી’બનીને મદદ કરશે. સુરત પોલીસ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને હેલ્પલાઈન પણ જાહેર કરવામાં આવ્યું છે.
સુરત પોલીસની અનોખી પહેલ
સુરત પોલીસ (Surat Police) દ્વારા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વિશેષ ‘હેલ્પલાઇન અને રેસ્ક્યુ પ્લાન’ અમલમાં મૂકવામાં આવ્યો છે. શહેરમાં વધી રહેલા ટ્રાફિક અને મેટ્રોની કામગીરીને ધ્યાનમાં રાખીને આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થી ટ્રાફિક જામ, રસ્તો ભૂલાવા કે વાહન બગડવાની પરિસ્થિતિને કારણે પરીક્ષાથી વંચિત ન રહે.
પોલીસ ‘સારથિ’ તરીકે મદદ કરશે
ટ્રાફિક વિભાગના ડીસીપી પન્ના મોમાયા (Panna Momaya)એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ આ વખતે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ ‘સારથિ’ તરીકે પણ વિદ્યાર્થીઓની મદદ કરશે. શહેરના સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. કુલ 80 ટ્રાફિક જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે પરીક્ષાના દિવસોમાં સતત મેદાનમાં ફરજ બજાવશે.
ટ્રાફિક પર પોલીસની રહેશે સતત નજર
ઇમરજન્સી પ્રતિસાદ માટે 45 બાઈક, 20 મોપેડ અને 15 કાર પેટ્રોલિંગમાં રહેશે. ખાસ કરીને વરાછા, અડાજણ અને મજુરા ગેટ જેવા વિસ્તારોમાં, જ્યાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, ત્યાં વધારાની તકેદારી રાખવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે પોલીસ સતત નજર રાખશે. કંટ્રોલ રૂમમાં કોલ મળતા જ નજીકના પેટ્રોલિંગ સ્ટાફને જાણ કરવામાં આવશે. ગંભીર ટ્રાફિકની સ્થિતિમાં પોલીસ સાઈરન દ્વારા રસ્તો ખાલી કરાવી શકે છે અને જરૂર પડે તો પોતાની ગાડીમાં વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી છોડશે.
વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર
વિદ્યાર્થીઓ માટે 74340 95555 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર જતાં માર્ગમાં કોઈ મુશ્કેલી સર્જાય તો તરત જ આ નંબર પર સંપર્ક કરવો. વિદ્યાર્થીઓએ પોતાની લાઈવ લોકેશન વોટ્સએપ દ્વારા મોકલવી રહેશે, જેથી નજીકમાં રહેલો પોલીસ જવાન ઝડપથી મદદ માટે પહોંચી શકે. જવાન પહોંચે ત્યારે હોલટિકિટ બતાવી ઓળખ પુષ્ટિ કરાવવી જરૂરી રહેશે. મુખ્ય નંબર વ્યસ્ત હોય તો 112 અથવા 0261-2241303 પર પણ સંપર્ક કરી શકાય છે.
સુરત પોલીસની વિદ્યાર્થીઓને અપીલ
સુરત પોલીસએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે પરીક્ષાના સમયે ગભરાશો નહીં. મન શાંત રાખીને તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરો. ટ્રાફિક અથવા વાહન સંબંધિત સમસ્યામાં પોલીસ હંમેશા તમારી સાથે છે. નોંધનયી છે કે અગાઉ વિદ્યાર્થીઓ ટ્રાફિકના કારણે પરીક્ષા કેન્દ્રમાં મોડા પહોંચ્યાના કિસ્સાઓ થયા છે જેના કારણે કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તેના માટે સુરત પોલીસે વિદ્યાર્થી માટે પહેલ કરી છે.
આ પણ વાંચો : સુરતના વેસુ વિસ્તારની હચમચાવી નાખતી ઘટના, સામુહિક આપઘાતના પ્રયાસમાં 3ના મોત, દીકરીનો બચાવ












