ગુજરાત: સિંહોનાં મૃત્યુ મામલે આક્રોશ સાથે ભાજપના MLAએ સવાલ ઉઠાવ્યા

- ભાજપનાં જ ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રીને પત્ર લખ્યો
- વનતંત્રએ સમયસર તપાસણી કરી હોત તો સિંહોને બચાવી શકાત
- વન્યપ્રાણીનાં હુમલામાં માનવીના મોત માટે પણ વનવિભાગ જવાબદાર
અમરેલી જિલ્લામાં વિવાદિત લેટરકાંડ બાદ ભાજપમાં જૂથવાદ વારંવાર સામે આવે છે ત્યારે હવે ધારી, બગસરા, ખાંભા મતક્ષેત્રના ભાજપનાં જ ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રીને પત્ર લખીને તાજેતરમાં થયેલા સિંહો-સિંહબાળના મૃત્યુ મામલે વન વિભાગની કાર્યરીતિ સામે સવાલો ઉઠાવીને આક્રોશ ઠાલવતા આશ્ચર્ય સર્જાયું છે. ‘વનતંત્રએ સમયસર તપાસણી કરી હોત તો સિંહોને બચાવી શકાત’, એવું કહીને તેમણે વન્યપ્રાણીનાં હુમલામાં માનવીના મૃત્યુ માટે પણ વનવિભાગને જવાબદાર ગણાવ્યો છે.
સિંહ બાળ કે અન્ય સિંહોના મૃત્યુના બનાવો અટકાવી શકાત
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને લખેલા પત્રમાં ધારાસભ્ય જે.વી. કાકડિયાએ લખ્યું છે કે, ‘પાલીતાણા શેત્રુંજી ડિવિઝન અને ધારી પૂર્વ ગીર ડિવિઝનમાં છેલ્લા બે માસમાં સિહોના મૃત્યુના બનાવ બનેલો છે. તાજેતરમાં સિંહબાળના મૃત્યુ થયેલ છે. આ મૃત્યુ કોઈ વાયરસના કારણે થયાનું જાણવા મળે છે.
વનવિભાગના અન્ય અધિકારીઓ વન વિસ્તારમાં ફરતા હોય છે
વન વિભાગના નિયમોને આધીન ટ્રેકર તેમજ વનવિભાગના અન્ય અધિકારીઓ વન વિસ્તારમાં ફરતા હોય છે. આમ છતાં આ બાબતે આ સિંહબાળ મૃત્યુ ક્યાં કારણોસર થયેલ તેમને ધ્યાને આવેલ નહિ કે સ્થાનિક કક્ષાએથી વન વિભાગને કોઈએ ધ્યાને મુકવામાં આવેલ ન હોઈ તેવું પણ સંભવ છે. આ બાબત અતિ ગંભીર છે. વન્ય પ્રાણીના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા સિંહોની કે સિંહ બાળની જે-તે સમયે તપાસણી કરવામાં આવેલ હોત તો આ સિંહ બાળ કે અન્ય સિંહોના મૃત્યુના બનાવો અટકાવી શકાત.’
સિંહોના મોતના પગલે ગાંધીનગર સુધી પડઘા પડતા વનતંત્ર દોડતું થયું
વધુમાં તેમણે લખ્યું છે કે, ‘અગાઉ પણ થોડા સમય પહેલા દીપડાના હિંસક હુમાલાના કારણે માનવ અપમૃત્યુના બનાવ બનેલા છે, તેમાં પણ વન વિભાગની નિષ્કાળજી જણાયેલ હતી. વનવિભાગની કામગીરી હાલની તકે સંતોષકારક હોય તેવું જણાતું નથી. સમગ્ર એશિયામાં માત્ર અને માત્ર અમારા ગિર વિસ્તારમાં જ એશિયાટિક સિંહો વસવાટ કરે છે. તેના જતન કે સંવર્ધન અને સુરક્ષાની બાબત માત્ર વન વિભાગની જ નહિ પણ આમ નાગરિકો માટે પણ મહત્વની છે. ત્યારે એશિયાટિક સિંહની રક્ષણની બાબતને અગત્યની ગણીને વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓની ઉપર પુરતું ધ્યાન આપે એવું સુચન કરું છું.’
અમરેલી જિલ્લામાં સિંહોના મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે
અમરેલી જિલ્લામાં સિંહોના મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એક સપ્તાહમાં ભેદી રીતે ત્રણ સિંહબાળના મોત થયા બાદ આજે વધુ એક સિંહણના મૃત્યુથી આંકડો ચાર પર પહોંચી ગયો છે. ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં થઇ રહેલા સિંહોના મૃત્યુના પગલે ગાંધીનગર સુધી પડઘા પડતા વનતંત્ર દોડતું થયું છે.
આ પણ વાંચો: અમદાવાદ: બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો પર તવાઇ, જાણો કેટલા કરોડનો દંડ વસુલાયો












