અમદાવાદ: બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો પર તવાઇ, જાણો કેટલા કરોડનો દંડ વસુલાયો
- ઓવર સ્પિડમાં બેફામ બેદકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માતની વણઝાર લાગી
- દોઢ વર્ષમાં બેફામ વાહનચાલકો પાસેથી 11 કરોડની દંડવસૂલી, 2161 લોકોના લાયસન્સ સસ્પેન્ડ
- બીજા રાજયમાં જઇ રફ ડ્રાઇવિંગ કરતા અમદાવાદી 284 વાહન ચાલકો પાસેથી દંડ વસુલાયો
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી રોન્ગ સાઇડ તથા ઓવર સ્પિડમાં બેફામ બેદકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માતની વણઝાર લાગી છે. માતેલા સાંઢની જેમ વાહનો હાંકી વાહન ચાલકો નિર્દોષ નાગરિકોનો ભોગ લઇ રહ્યા છે. ત્યારે રસ્તાને જાગીર સમજીને વાહનો ચલાવીને અકસ્માત સર્જનારા વાહન ચાલકો સામે અમદાવાદ આરટીઓએ તવાઇ બોલાવી છે. જેમાં છેલ્લા દોઢ વર્ષમાં રોન્ગ સાઇડ, અકસ્માતમાં મોત, ઓવર સ્પિડ, ઓવર લોડ ફીટનેશ સહિતના કાયદાના ભંગ બદલ દોઢ વર્ષમાં રૂ.10.98 કરોડ વસૂલીને 2161 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે.
બીજા રાજયમાં જઇ રફ ડ્રાઇવિંગ કરતા અમદાવાદી 284 વાહન ચાલકો પાસેથી દંડ વસુલાયો
બીજા રાજયમાં જઇ રફ ડ્રાઇવિંગ કરતા અમદાવાદીઓ પાસેથી 284 વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ્યા પછી આરટીઓએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કર્યા છે. અમદાવાદમાં નશામાં ધૂત નબીરાઓ દ્વારા બેફામ વાહનો હંકારતા વધી રહેલા હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, રોન્ગ સાઈડમાં વાહન હંકારતા તેમજ હેલ્મેટ વગર વાહન ચલાવતા અને ફૂલ સ્પીડમાં વાહન ચલાવીને અકસ્માત કરવાના વધી રહેલા કેસ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવાર નવાર ટ્રાફિક પોલીસને આવા વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ સહિત કડક પગલાં લેવા માટે ટકોર કરવામાં આવે છે. કારણ કે સ્થળ ઉપર દંડ ભરીને વાહન ચાલકને છોડી મૂકવાથી વાહન ચાલકોમાં કોઇ ફરક પડવાનો નથી પરંતું કાયદનો ડર પેદા કરવા જરુરી છે.
અમદાવાદ આરટીઓમાં મોકલી આપતા તેમના પણ ડ્રાઇવિંગ લાયસન્સ રદ
અમદાવાદ આરટીઓ દ્વારા કડક વલણ અપનાવીને 1-4-24 થી 31-7-25 સુધી 16 મહિનામાં રોન્ગ સાઇડ, હેલમેટ, વાંરવાર ટ્રાફિકના કાયદાનો ભંગ, ટેક્ષ, લાયસન્સ, પીયુંસી, ફીટનેશ ઉપરાંત ઓવરલોડ વાહનો ડિટેઇન કરીને તેમની પાસેથી રૂ.10.98 કરોડ વસૂલીને દંડ વસૂલીને 2161 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણથી છ મહિના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા રાજયમાં જઇ રફ ડ્રાઇવિંગ કરતા અમદાવાદીઓ પાસેથી જે તે શહેરની પોલીસે 284 વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ્યા પછી લાયસન્સ અમદાવાદથી ઇસ્યું થયા હોવાથી અમદાવાદ આરટીઓમાં મોકલી આપતા તેમના પણ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં વાહનચાલકોએ ફાસ્ટેગથી 4 વર્ષમાં જાણો કેટલા કરોડની રકમ ચૂકવી












