
Salim Dola Arrested In Turkiye: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. વર્ષ 2022 માં વડોદરાની ફેક્ટરીમાંથી ઝડપાયેલા ₹ 473 કરોડના ચકચારી ડ્રગ્સ કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા મોસ્ટ વોન્ટેડ આરોપી સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ કરવામાં આવી છે. વિદેશમાં બેસીને ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો સલીમ ડોલા વર્ષોથી અંડરવર્લ્ડના દાદાઓ અને આંતરરાષ્ટ્રીય માફિયાઓ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો. તુર્કિયેથી ડિપોર્ટ કરાયા બાદ ગુજરાત એટીએસ દ્વારા તેનો સત્તાવાર કબજો મેળવીને સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ડોલાના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથેના સંભવિત કનેક્શનની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
સિંઘરોટ ગામમાંથી ઝડપાઈ હતી ₹ 473 કરોડની એમડી ડ્રગ્સ ફેક્ટરી
ગુજરાત એટીએસ દ્વારા વર્ષ 2022 માં વડોદરા જિલ્લાના સિંઘરોટ ગામ ખાતે આવેલા એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડો પાડીને મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹ 473 કરોડથી પણ વધુ કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો અને કુલ 10 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી સૌમિલ પાઠક મુંબઈ જેલમાં સલીમ ઇસ્માઈલ ડોલાના સંપર્કમાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ બંનેએ ભેગા મળીને વડોદરામાં ડ્રગ્સ બનાવવાની આ ફેક્ટરી શરૂ કરી હતી, જ્યાંથી તૈયાર થયેલું ડ્રગ્સ સલીમના સાગરીત અહેમાન શેખપુર સુધી પહોંચાડવામાં આવતું હતું.
ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બાદ તુર્કિયેથી ડિપોર્ટ કરાયો
સલીમ ડોલા સતત વિદેશમાં રહીને ભારત અને અન્ય દેશોમાં ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો હોવાથી ગુજરાત એટીએસની વિનંતી પર તેની સામે ઇન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની મદદથી હાથ ધરાયેલા સર્વેલન્સ દરમિયાન સલીમ તુર્કિયેમાં હોવાના ચોક્કસ સુરાગ મળ્યા હતા. તુર્કિયેની સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક તેની ધરપકડ કરીને ભારત ડિપોર્ટ કરી દીધો હતો. સલીમ સામે ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં 15 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મુંબઈ, ભોપાલ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના કેસોનો સમાવેશ થાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અંડરવર્લ્ડ કનેક્શન અને ઈકબાલ મિર્ચી સાથે જૂનો સંબંધ
સલીમ ડોલાની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે 1990 ના દાયકામાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર ઈકબાલ મિર્ચીના સંપર્કમાં હતો અને તેના માટે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. સલીમ અને તેના સાગરીતો દ્વારા કાયદેસરની નિકાસ થતી ચીજવસ્તુઓના કન્ટેનરોમાં ગુપ્ત રીતે ડ્રગ્સ છુપાવીને વિદેશમાં મોકલવા માટેનું એક મોટું આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ ઊભું કરવામાં આવ્યું હતું. વિદેશમાં ડમી કંપનીઓ બનાવીને ડ્રગ્સ મેળવવામાં આવતું હતું. સલીમ ભારતીય પાસપોર્ટના આધારે દુબઈમાં રહેતો હતો અને તપાસથી બચવા માટે દુબઈ તથા કેન્યાના સિમકાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો.
આ પણ વાંચો: દિવાળીમાં સાયબર ઠગોનો ખેલ, મીશોની નકલી વેબસાઈટ બનાવી ગ્રાહકોના બેન્ક ખાતાં ખાલી કરવાનું કૌભાંડ












