અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: 35થી વધુ હોટલ-ગેસ્ટ હાઉસમાં દરોડા, 50થી વધુ શંકાસ્પદ મહિલાઓની અટકાયત
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે 35થી વધુ હોટલ અને ગેસ્ટ હાઉસમાં તપાસ તથા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની આ અચાનક અને વ્યાપક કાર્યવાહીને પગલે હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
50થી વધુ શંકાસ્પદ મહિલાઓની અટકાયત
ક્રાઈમ બ્રાન્ચના સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ હોટલોમાંથી 50થી વધુ શંકાસ્પદ મહિલાઓને અટકાયતમાં લેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં પશ્ચિમ બંગાળની તેમજ બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશી હોવાની આશંકા ધરાવતી મહિલાઓ પણ આ નેટવર્કમાં સામેલ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ખાસ કરીને જશોદાનગર, નરોડા અને CTM-બાપુનગર વિસ્તારની હોટલો પોલીસના મુખ્ય રડાર પર હતી. આ વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પોલીસની કાર્યવાહી જોઈ હોટલ સંચાલકો ફરાર
દરોડાની જાણ થતાં જ કેટલીક હોટલોના સંચાલકો અને મેનેજરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાની માહિતી છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેમને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો કામે લગાડવામાં આવી છે.
ઓળખના દસ્તાવેજોની ચકાસણી શરૂ
અટકાયતમાં લેવામાં આવેલી મહિલાઓના પાસપોર્ટ, આધારકાર્ડ અને અન્ય ઓળખના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. મહિલાઓ શહેરમાં કઈ રીતે આવી, તેમની પાછળ કોઈ સંગઠિત નેટવર્ક કાર્યરત છે કે કેમ અને સંભવિત માનવ તસ્કરીમાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
હાલ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલુ છે. તપાસમાં વધુ વિગતો અને સંડોવાયેલા લોકોનાં નામ સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: બે દિવસ ગુજરાતના પ્રવાસે PM મોદી: ભીલડીમાં ₹14 હજાર કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું












