ગુજરાત

બાવળાની સીટી સરવે ઓફિસમાં અરજદારોને હાલાકી, પ્રોપર્ટી કાર્ડ માટે ‘તારીખે પે તારીખ’ જેવો ઘાટ

Bavla News: બાળવાની સીટી સરવે ઓફિસની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવા બાબત તથા 135-ડીની નોટિસ બજાવણી અને નોંધ પ્રમાણિત કરવા જેવા મહત્ત્વના કામો માટે અરજદારો લાંબા સમયથી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. અરજદારોનું કહેવું છે કે નિયમ મુજબ સમયમર્યાદામાં પૂર્ણ થવા યોગ્ય કામો લાંબા સમયથી પેન્ડિંગ છે, પરંતુ જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી તેમજ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

અરજદારોના જણાવ્યા અનુસાર તેઓ વારંવાર બાવળા સીટી સરવે ઓફિસમાં ચક્કર લગાવી રહ્યા છે. અનેક વખત ફોન કોલ, વોટ્સએપ મેસેજ અને રજૂઆતો કરી હોવા છતાં તેમની અરજીઓ પર કોઈ કાર્યવાહી થતી નથી. અધિકારીઓ પાસેથી અરજદારો માત્ર એક જ જવાબ સાંભળી રહ્યા છે કે “તમારુ કામ થઈ જશે, બધાની અરજીઓ પેન્ડિંગ છે” અથવા “કાલે જોઈ લઉં છું, કાલે આવજો”. આવા જવાબો સાંભળીને અરજદારોનો કિંમતી સમય વેડફાય રહ્યો છે અને નક્કર કામ થઈ રહ્યું નથી. સ્થિતિ એવી ઉભી થઈ છે કે નાગરિકોનો સમય, પૈસા અને માનસિક તણાવ વધી રહ્યો છે.

પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવા બાબત તથા 135-ડીની નોટિસ બજાવણી અને નોંધ પ્રમાણિત કરવા જેવા કામ ન થવાને કારણે મિલકતના દસ્તાવેજો અને ખરીદ-વેચાણ અને અન્ય કાનૂની કામો અટવાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. અરજદારોનો આક્ષેપ છે કે સરકાર ડિજિટલ ગવર્નન્સ અને ઝડપી સેવાઓની વાત કરે છે, પરંતુ જમીન સ્તરે સ્થિતિ સંપૂર્ણપણે વિપરીત જોવા મળી રહી છે. પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવા બાબત તથા 135-ડીની નોટિસ બજાવણી અને નોંધ પ્રમાણિત કરવા મામલે પણ અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ હજુ સુધી નોંધ ચડાવવામાં આવી નથી. જેના કારણે મિલકતના રેકોર્ડ અપડેટ થતા નથી અને અરજદારોને વારંવાર સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડે છે.

કેટલાક અરજદોરો તરફથી એવી વાત પણ સાંભળવા મળી રહી છે કે જ્યારે પણ અરજી અંગેની રજૂઆત કે તપાસ કરવા કચેરીએ જાઈએ છીએ ત્યારે અધિકારી ત્યાં હાજર હોતા નથી. અધિકારીની ગેરહાજરીને કારણે પણ સરકારી કામગીરી પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તેમને (અધિકારી) વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને કામગીરીનો ભાર વધુ છે. જોકે અરજદારો આ દલીલથી સંતોષ માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે અધિકારીઓ પર વધારાનો ભાર હોય તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે, પરંતુ તેનો ભોગ સામાન્ય નાગરિકોને ન બનવો જોઈએ.

સીટી સરવેની ઓફિસની કામગીરીને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો અરજદારોની અરજીઓ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહેતી હોય, અધિકારીઓ સંપર્કમાં ન આવતા તેમજ ફોનમાં કે રુબરુ મળી શકતા ન હોય અને વારંવાર ધક્કા ખાવા છતાં કામ ન થતું હોય તો જવાબદારી કોની? શું સામાન્ય નાગરિકોને પોતાના કામ માટે સતત સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડશે?

બાવળાની સીટી સરવેની ઓફિસમાં હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે જાણે પ્રોપર્ટી કાર્ડ માટે અરજદારોને ‘તારીખે પે તારીખ’ મળી રહી હોય. લોકો આશા રાખી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તાત્કાલિક દખલ કરીને પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરાવશે અને જવાબદાર તંત્ર સામે જરૂરી કાર્યવાહી કરશે. નહીં તો સરકારી તંત્રની કાર્યક્ષમતા અને પારદર્શિતા અંગેના સવાલો વધુ ગંભીર બનવાની શક્યતા છે.

Back to top button