અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિવાદ: 4 અધિકારીઓ સસ્પેન્ડ, બંધ બોડી વોર્ન કેમેરાથી શંકા ઘેરી

Ahmedabad Airport Customs News: અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો અને કસ્ટમ્સ વિભાગ વચ્ચે અવારનવાર થતા ઘર્ષણ અને આક્ષેપોની પરિસ્થિતિને રોકવા માટે અધિકારીઓને બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં મુસાફરનો સામાન ગેરકાયદેસર રીતે રાખી લેવાના ગંભીર આક્ષેપ બાદ તપાસ કરતા સંબંધિત અધિકારીઓના બોડી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બેદરકારી બદલ કસ્ટમ્સ વિભાગે 2 સુપ્રિટેન્ડેન્ટ વિનય અરોરા અને કુલદીપ પાલીવાલ તથા 2 ઇન્સપેક્ટર ભરતભાઈ મીણા અને કૌશલકુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
દુબઈથી આવેલા મુસાફરની ફરિયાદ બાદ વિભાગીય તપાસનો ધમધમાટ
ઘટનાની વિગતો મુજબ, શુક્રવારે સવારે દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઈટના 2 મુસાફરોને રોકીને કસ્ટમ્સ અધિકારીઓએ પૂછપરછ કરી હતી. તે પૈકી સુરતના એક મુસાફરે કસ્ટમ્સ અધિકારીઓએ તેમનો સામાન જપ્ત કરી લીધો હોવાની કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીને ફોન પર ફરિયાદ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પહોંચ્યા હતા, પરંતુ મુસાફર ત્યાંથી રવાના થઈ ગયા હતા. ત્યારબાદ કસ્ટમ્સ ટીમે સુરતના કોસંબા પહોંચીને મુસાફરનું પ્રાથમિક નિવેદન નોંધ્યું હતું, જેના આધારે આ 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન અને સીસીટીવી તપાસથી સત્ય સામે અણાશે
કસ્ટમ્સ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, મુસાફર અને સસ્પેન્ડેડ અધિકારીઓના વિસ્તૃત નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલાનું સત્ય જાણવા માટે મુસાફરને એરપોર્ટ પર બોલાવીને ઘટનાનું રીઅલ-ટાઇમ રિકન્સ્ટ્રક્શન અને રિહર્સલ કરાવવામાં આવશે. આ સાથે એરપોર્ટના સીસીટીવી ફુટેજની પણ ઝીણવટભરી તપાસ કરાશે. જો તપાસ દરમિયાન કોઈ પણ પક્ષ ખોટી માહિતી આપતો જણાશે તો તેની સામે કસ્ટમ્સ એક્ટ અને જરૂર જણાયે પોલીસ ફરિયાદ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કેમેરા બંધ રાખવા બદલ અગાઉ પણ મેમો અપાયા હતા
સૂત્રોના જણાવ્યા મુજબ, અધિકારીઓને મુસાફરો સાથે પારદર્શિતા જાળવવા માટે બોડી વોર્ન કેમેરા પહેરવા ફરજિયાત કરવામાં આવ્યા છે. પરંતુ સસ્પેન્ડેડ અધિકારીઓએ આ કેમેરા બંધ રાખ્યા હતા. આ મામલે તેમને થોડા દિવસો પહેલા જ વિભાગ તરફથી કારણદર્શક મેમો પણ આપવામાં આવ્યો હતો. બીજી તરફ, ફરિયાદ કરનાર સુરતના મુસાફર આસીફ રૂસ્તમ પટેલ સામે અગાઉ કોસંબા પોલીસ સ્ટેશનમાં મારપીટ અને ધમકી આપવાની ફરિયાદ પણ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે, જેને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ તમામ પાસાંઓ ચકાસી રહ્યા છે.
આ પણ વાંચો: ઊંચા વળતરની લાલચ આપી ₹635 કરોડનું ‘SD Pay’ કૌભાંડ: અમરેલી પોલીસે 6 આરોપીઓને ઝડપ્યા












