‘જવાબદારીનો અભાવ ભારતના પતનનું કારણ’, રાહુલ ગાંધીએ નોઈડામાં સોફ્ટવેર એન્જિનિયરના મૃત્યુ પર લખી પોસ્ટ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગ્રેટર નોઇડામાં સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાના અકસ્માતમાં થયેલા મોત મામલે જવાબદારીને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોતાના X હેન્ડલ પર પોસ્ટ કરતાં લખ્યું કે, “રસ્તાઓ મારી નાખે છે, પુલો મારી નાખે છે, આગ મારી નાખે છે, પાણી મારી નાખે છે, પ્રદૂષણ મારી નાખે છે, ભ્રષ્ટાચાર મારી નાખે છે અને ઉદાસીનતા પણ મારી નાખે છે. ભારતનો શહેરી પતન પૈસા, ટેકનોલોજી કે ઉકેલોના અભાવને કારણે નથી. તે જવાબદારીના અભાવને કારણે છે.”
પ્રત્યક્ષદર્શીએ આપ્યુ નવું નિવેદન
નોઇડાના સેક્ટર-150માં બનેલી ઘટનાના એક ચશ્મદીદનું નવું નિવેદન સામે આવ્યું છે. તેણે જણાવ્યું કે પોલીસ અને પ્રશાસને ઘણી કોશિશ કરી હતી. બધા સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ વધારે અંધારું હોવાથી કોઈ કઈ કરી શક્યું નહોતું. મોનિંદર એ જ વ્યક્તિ છે જેણે અગાઉ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ પાણીમાં ઉતર્યો નહતો, તે સુરક્ષા વિના ઉતર્યો હતો, પરંતુ ત્યા સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હવે પોતાના નવા નિવેદનમાં તે કહી રહ્યો છે કે પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગ યુવરાજને બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા. જોકે આ નવા નિવેદનથી પણ ઘણા સવાલો ઉભા થાય છે કે પોલીસ અને પ્રસાશને મોનિંદરને આવુ કહેવા માટે મજબુર કર્યો છે કે શું?
મોત માટે પ્રશાસન અને સરકાર જવાબદાર
રાહુલ ગાંધીએ ગ્રેટર નોઈડામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી ગયેલા સોફ્ટવેર એન્જિનિયર યુવરાજના મૃત્યુ માટે પ્રશાસન, સરકાર, બેદરકારી, ભ્રષ્ટાચાર અને દેખરેખને જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે ગ્રેટર નોઈડાના સેક્ટર 150 માં પાણી ભરેલા ખાડામાં પડી જવાથી યુવરાજનું મૃત્યુ થયું અને તેના મૃત્યુની જવાબદારી લેવા માટે કોઈ નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વતઃ સંજ્ઞાન લીધું અને એક વિશેષ તપાસ ટીમની રચના કરી, પરંતુ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેની ખાતરી કોણ કરશે?
કાર ભોંયરામાં ખાડામાં પડી
સેક્ટર 150 માં ટાટા યુરેકા પાર્ક સોસાયટીમાં રહેતો યુવરાજ ગુરુગ્રામની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. કામ પરથી ઘરે પરત ફરતી વખતે, તે અને તેની કાર સેક્ટર 150 નજીક નિર્માણાધીન ઇમારતના ભોંયરામાં ખોદવામાં આવેલા ખાડામાં પડી ગયા. ફાયર વિભાગ, NDRF અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત કામગીરીમાં શનિવારે સવારે યુવરાજનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે યુવરાજનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયું હતું.
હાર્ટ ફેલ્યોર એટલે કે કાર્ડિયાક અટેક પણ મોતનું એક કારણ છે. બેઝમેન્ટમાં પાણી ભરાયેલું હતું, જે ખૂબ જ ઠંડું હતું. યુવરાજ ઘણા કલાકો સુધી પાણીમાં પલળેલો રહ્યો. ઠંડા પાણીથી મૃત્યુનો ડર અને તેમાં રહેવાના માનસિક તણાવથી તે ગભરાઈ ગયો અને તેને હાર્ટ એટેક આવ્યો.












