“પપ્પા મને બચાવી લો…”ગ્રેટર નોઈડામાં બેદરકારીને કારણે બનેલા ખાડામાં પડી જવાથી એન્જિનિયરનું મોત

નોઇડા: “પપ્પા, હું ડૂબી રહ્યો છું, તમે આવીને મને બચાવી લો…” પિતા જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે તેમનો દીકરો કાર સહિત એક ઊંડા ખાડામાં પડેલો હતો અને બચાવો-બચાવોની ચીસો પાડી રહ્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો નહીં. પિતાની આંખો સામે જ દીકરાનું તડપતા-તડપતા મોત થઈ ગયું.
આ ઘટના ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાની છે, જ્યાં શુક્રવાર રાત્રે થયેલા અકસ્માતમાં 27 વર્ષીય યુવરાજ મહેતાનું દુઃખદ મોત થયું. ગાઢ ધુમ્મસ અને ઝડપી ગતિને કારણે, યુવરાજે પોતાની કાર પરનો કાબુ ગુમાવ્યો. કાર રસ્તાની બાજુના નાળાની દીવાલ તોડી એક નિર્માણાધીન મોલના બેસમેન્ટમાં ભરેલા પાણીમાં ખાબકી ગઈ. યુવરાજ કારનો દરવાજો ખોલી શક્યો નહીં અને બેદરકારીના કારણે બનેલા આ ખાડામાં ડૂબીને તેનું મોત થયું. આ મિલકત નોઇડા ઓથોરિટીના કબજામાં હતી. બેસમેન્ટમાં પાણી ભરાયેલું હોવા છતાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આવી સ્થિતિમાં યુવરાજના પિતાએ વહીવટીતંત્ર પર બેદરકારીના કારણે મોત થયાનો આરોપ લગાવ્યો છે.
કાર દિવાલ તોડીને ખાડામાં પડી ગઈ
યુવરાજ સોફ્ટવેર એન્જિનિયર હતો. તે ગુરુગ્રામમાં એક કંપનીમાં જોબ કરતો હતો. શુક્રવારની રાત્રે તે ઓફિસમાંથી ગ્રેટર નોઇડાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે ઘનિષ્ઠ ધુમ્મસ હતો અને દૃશ્યતા ખૂબ જ ઓછી હતી. આ દરમિયાન જ્યારે યુવરાજ ગ્રેટર નોઇડાના સેક્ટર-150 સ્થિત ATS લે-ગ્રાન્ડિયોઝ નજીકના ટી-પોઇન્ટ પર પહોંચ્યો, ત્યારે તેનુ કાર પરથી નિયંત્રણ ખોરવાઈ ગયું. કાર નાળાની દીવાલ તોડી એક નિર્માણાધીન મોલના પરિસરમાં ખાબકી ગઈ, જ્યાં પાણી ભરેલું હતું. કાર પાણીમાં પડ્યા બાદ યુવરાજે બહાર નીકળવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. ટક્કર લાગવાના કારણે શક્ય છે કે કારના દરવાજા જામ થઈ ગયા હતા.
પપ્પા, આવીને મને બચાવી લો…
ઊંડા નાળામાં પડી ગયા પછી યુવરાજે કારમાંથી બહાર નીકળવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા, પરંતુ જ્યારે તે સફળ થઈ શક્યો નહીં, ત્યારે તેણે પોતાના પિતા રાજકુમાર મહેતાને ફોન કર્યો. યુવરાજે કહ્યું, “પપ્પા, હું એક ઊંડા ખાડામાં પડી ગયો છું, જેમાં પાણી ભરેલું છે. હું ડૂબી રહ્યો છું. પ્લીઝ આવીને મને બચાવી લો. હું મરવા નથી માંગતો.” દીકરાની વાત સાંભળતાં જ પિતાએ તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કરીને ઘટનાની ગંભીરતા સમજાવી. ત્યારબાદ રાજકુમાર મહેતા જાતે જ ઘટનાસ્થળે પહોંચી ગયા. થોડીવારમાં પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા.
યુવરાજના મોત માટે જવાબદાર કોણ?
જ્યારે રાજકુમાર મહેતા ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે યુવરાજ કારની અંદરથી બચાવો-બચાવોની ચીસો પાડી રહ્યો હતો. તેણે પોતાના મોબાઇલની ટોર્ચ ચાલુ રાખી હતી, પરંતુ અંધારુ અને ગાઢ ધુમ્મસના કારણે પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ સમયસર યુવરાજને ખાડામાંથી બહાર કાઢી શક્યા નહીં. યુવરાજે પિતાની આંખો સામે જ તડપતા-તડપતા દમ તોડી દીધો. રાત્રે આશરે 1: 45 વાગ્યે યુવરાજ કાર સાથે પાણીમાં ડૂબી ગયો અને તેનું મોત થયું. રાજકુમાર મહેતાએ પોતાના દીકરાના મોત માટે સરકારની બેદરકારીને જવાબદાર ઠેરવી છે અને આ બાબતે ફરિયાદ નોંધાવી છે.
જે મોલમાં યુવરાજ ડૂબી ગયો હતો તે મોલનો કબજો નોઈડા ઓથોરિટીએ લીધો હતો. તેમ છતાં, કોઈ પણ પ્રકારના સલામતીના પગલાં લેવામાં આવ્યા ન હતા. તેમનો દાવો છે કે ખતરનાક વળાંક હોવા છતાં, પોલીસે તે વિસ્તારને બેરિકેડ કર્યો ન હતો, કે ત્યાં કોઈ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા ન હતા. આ જ કારણે અકસ્માત થયો છે.
આ પણ વાંચો: EPFO UPI Withdrawal : PFના પૈસા UPIથી કાઢી શકાશે! જાણો ક્યારે શરૂ થશે સુવિધા












