ગુજરાત

વડોદરા NH-48 પર બેફામ કારચાલકે દાદી-પૌત્રને અડફેટે લેતા બંનેનાં મોત

વડોદરા નેશનલ હાઈવે-48 પર કારચાલકે રોડ ક્રોસ કરી રહેલાં દાદી અને પૌત્રને અડફેટે લેતા બન્નેના મોત થયા હતા. આ બનાવની જાણ પોલીસને કરતા તાત્કાલિક આવી પહોંચી હતી અને અકસ્માત મોતને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, દાદી અને પૌત્ર પોતાના ગામડેથી શહેરમાં રહેતા દીકરાના ઘરે આવી રહ્યાં હતાં, એ દરમિયાન હાઈવે ઓળંગતી વખતે કાળમુખી કારે તેમને અડફેટે લીધાં હતાં. એકસાથે બે સ્વજનો ગુમાવતાં પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે અને પરિવારે અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ કડક પગલાં ભરી ન્યાય અપાવવાની માગ કરી છે. આ બનાવને લઈ કપૂરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના બાપોદ વુડાના મકાનમાં રહેતા અને મૂળ પંચમહાલના શનાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની માતા હરખાબેન પ્રભાતભાઈ સોલંકી (ઉંમર વર્ષ 70) અને દીકરો વનરાજ સોલંકી (ઉંમર વર્ષ 10, મૂળ નિશાળ ફળિયું, વાછાવડ કલોલ પંચમહાલ) ગામડેથી મારા ઘરે બાપોદ વુડાના મકાનમાં આવતાં હતાં એ દરમિયાન આ રોડ ક્રોસ કરતા સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.

આ ગંભીર અકસ્માત કપૂરાઇ પોલીસે મથક હદ વિસ્તારમાં આવેલા નેશનલ હાઇવે 48 આજવા ચોકડીથી વાઘોડિયા તરફ પ્રિયંકાનગર ઝૂંપડપટ્ટી આગળ તક્ષ્ય ગેલેક્સી મોલ પહેલાં સર્જાયો હતો. આ અકસ્માતમાં તેઓ રોડ ક્રોસ કરતાં હતાં એ દરમિયાન ફોર-વ્હીલર ચાલકે ટક્કર મારતાં દાદી અને પૌત્ર બંને ફંગોળાયાં હતાં. ગંભીર ઇજાઓને લઈ તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તે વાત નકરી શકાય તેમ નથી. ગત રોજ અમદાવાદના એસજી હાઈવે પર રાતના સમયે એક ડમ્પર ચાલકે કારને ટક્કર મારી હતી. જેથી હાઈવે પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Back to top button