મહિલા આરક્ષણ અને પરિસીમન બિલને લઈને સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

Government may take a big decision : કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ મહિલા આરક્ષણ અને પરિસીમન બિલને લઈને મોટું નિવેદન આપતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે આગામી જુલાઈ મહિનામાં શરૂ થનારા સંસદ સત્ર દરમિયાન મોદી સરકાર મહિલા આરક્ષણ સાથે જોડાયેલું પરિસીમન બિલ પાસ કરાવી શકે છે. અઠાવલેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે સરકારને બે તૃતીયાંશ બહુમતી મળી શકે છે.
અઠાવલેએ જણાવ્યું કે જુલાઈના ત્રીજા સપ્તાહમાં સંસદનું સત્ર શરૂ થશે અને તે દરમિયાન સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા સત્રમાં વિરોધ પક્ષોએ મહિલાઓને આરક્ષણ આપતા બિલને સંપૂર્ણ સમર્થન આપ્યું નહોતું. દેશની જનતા સરકારના નિર્ણયને સમર્થન આપી રહી હોવાથી હવે વિરોધ પક્ષોના ઘણા સાંસદો એનડીએ સાથે જોડાઈ રહ્યા છે.
કેન્દ્રિય મંત્રીએ દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 9 સાંસદોમાંથી 6 સાંસદ એકનાથ શિંદેના સમર્થનમાં આવી ગયા છે, જેના કારણે એનડીએ અને મહાયુતિ વધુ મજબૂત બન્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ડીએમકેએ કોંગ્રેસ સાથેનો ગઠબંધન તોડી દીધો છે અને મમતા બેનર્જીની પાર્ટીના કેટલાક સાંસદો પણ એનડીએ સાથે જોડાયા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અઠાવલેએ આમ આદમી પાર્ટીને લઈને પણ મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના કેટલાક લોકસભા સાંસદો પણ એનડીએમાં જોડાઈ શકે છે. રાજ્યસભાના કેટલાક સભ્યો પહેલાથી જ સરકારના સમર્થનમાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.
શિવસેના (UBT)માં પડેલા વિખવાદ પર બોલતા અઠાવલેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે માટે પોતાના ધારાસભ્યો અને સાંસદોને એકસાથે રાખવું મુશ્કેલ બની રહ્યું છે. 2019માં તેમણે મોટી રાજકીય ભૂલ કરી હતી. જો તેઓએ ત્યારે દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપ્યું હોત તો તેઓ ઉપમુખમંત્રી બની શકતા, પરંતુ તેમણે કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કર્યું.
વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે સરકાર પરિસીમન બિલ પાસ કરાવવા માટે વિરોધ પક્ષોના સાંસદોને પોતાની તરફ ખેંચી રહી છે. હવે અઠાવલેના નિવેદન બાદ રાજકીય અટકળો વધુ તેજ બની ગઈ છે કે સરકાર આગામી સંસદ સત્રમાં પરિસીમન બિલને આગળ ધપાવી શકે છે.












