
05/08/2026: અમદાવાદના પૂર્વ વિસ્તાર ગોમતીપુરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પર એક યુવક પર ત્રણ શખસોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલો થોડા દિવસ પહેલાં બનેલી ઘોડાગાડીની બગી સળગાવવાની ઘટનાની અદાવતમાં કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે ગોમતીપુર પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
જૂના વિવાદે લીધું હિંસક સ્વરૂપ
પોલીસ ફરિયાદ મુજબ, ગોમતીપુરના સલાટનગર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ શેખ અને અન્ય કેટલાક લોકો વચ્ચે થોડા દિવસ પહેલાં ઘોડાગાડીની બગી સળગાવવાની ઘટનાને લઈને વિવાદ થયો હતો. આ બનાવ બાદ બંને પક્ષો વચ્ચે અદાવત ચાલી રહી હતી. પોલીસે તે સમયે પણ કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ બંને જૂથો વચ્ચેનો તણાવ યથાવત રહ્યો હોવાનું સામે આવ્યું છે.
મોપેડનો પીછો કરીને કર્યો હુમલો
ઘટનાના દિવસે ઈસ્માઈલ શેખ પોતાના મિત્રો મોહમ્મદ અનાસ અને મોહમ્મદ આમીન સાથે બર્ગમેન સ્કૂટર પર ઘરે જઈ રહ્યો હતો. રાત્રિના સમયે તેઓ ગોમતીપુર આર.કે. એસ્ટેટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેના પક્ષના ત્રણ યુવકો અન્ય ટુ-વ્હીલર પર આવી પહોંચ્યા હતા.
પરિસ્થિતિને ભાંપી ઈસ્માઈલે રસ્તો બદલી દીધો હતો, પરંતુ હુમલાખોરોએ તેનો પીછો ચાલુ રાખ્યો. ગોમતીપુર ગામ નજીક અંબા માતાના મંદિર પાસે પહોંચતા આરોપીઓએ તેમની નજીક આવી હુમલો શરૂ કર્યો હતો.
ચાલતા વાહન પર છરીના ઘા, રસ્તા પર પડી જતા વધુ હુમલો
ફરિયાદ અનુસાર હુમલાખોરોમાંથી એકે ચાલતા વાહન પર જ ઈસ્માઈલ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાના કારણે ઈસ્માઈલનું સંતુલન બગડતાં તે ટુ-વ્હીલર પરથી નીચે પટકાયો હતો.
જમીન પર પડતા જ ત્રણેય આરોપીઓ તેના પર તૂટી પડ્યા હતા અને છરી વડે સતત હુમલો કરતા રહ્યા હતા. ઈસ્માઈલ પોતાનો જીવ બચાવવા પ્રયાસ કરતો રહ્યો, પરંતુ હુમલાખોરોએ તેને છોડ્યો નહોતો. દરમિયાન આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ગંભીર રીતે ઘાયલ થયેલા ઈસ્માઈલને તેના મિત્રોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
CCTVમાં કેદ થયો હુમલો
સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને તેમની હિલચાલ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ફૂટેજ તપાસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે.
વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને લઈને ફરી સવાલ
આ ઘટના બાદ ગોમતીપુર વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં અસામાજિક તત્વોની હિલચાલ વધી રહી છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે પણ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વધતા ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ સલાટનગર સહિતના વિસ્તારોમાં મહિલાઓ, બાળકો અને વડીલો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. તેમણે પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરીને વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવા અપીલ કરી છે.
ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો
ગોમતીપુર પોલીસે હુમલાની ઘટનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની ધરપકડ માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ ચાલી રહી છે. હુમલાખોરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.












