ગુજરાતટોપ ન્યૂઝ

‘તમારા પરીવારની સોપારી લીધી છે, 80 લાખ મુંબઈ આપી જાવ’ કોને મળી હતી આવી ધમકી ?

‘તમારા પરીવારની સોપારી લીધી છે, 80 લાખ મુંબઈ આપી જાવ’ આવી ધમકી ભર્યો ફોન બે દિવસ પહેલા રાજકોટમાં તબીબ પુત્રના અપહરણ કરવાનો પ્રયાસ કરનાર શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો. જેનો પર્દાફાશ થયો છે અને શહેર ક્રાઈમબ્રાન્ચની ટીમે પાંચ અપહરણકારોને ઝડપી બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આરોપીએ પહેલા તબીબ પુત્રના અપહરણનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળતા ન મળતા તેઓએ તબીબને ફોન કરી આવી ધમકી આપી હતી. ઝડપાયેલા આરોપીઓ પૈકી સુત્રધાર તબીબના પરિવારથી નજીક હોવાનું જાણવા મળ્યું છે.
શું છે સમગ્ર ઘટના ?
રાજકોટમાં ગત મંગળવારે મોડી સાંજે શહેરના જાણીતા ડો. જીગ્નેશ ખંઢેડીયા અને તેમના પત્ની ડો.હેમા ખંઢેડીયાના 16 વર્ષના પુત્રને એક અજાણ્યા નંબરમાંથી કોલ આવ્યો હતો અને તેમને કુરીયર કંપનીનું નામ આપી તેમનું પાર્સલ આવ્યું હોવાનું અને ઘરની નીચે તેમના પાસેથી લઈ જવા જણાવ્યું હતું. જેથી તબીબનો પુત્ર પાર્સલ લેવા માટે ગયો હોય ત્યારે જ ત્રણ શખ્સો દ્વારા તેનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તબીબ પુત્ર શરીરે વજનદાર હોય તેને અપહરણકર્તાઓ ઉંચકી કારમાં નાંખી નહીં શકતા તેણે બુમાબુમ કરી મુકતા ઝડપાઈ જવાની બીકે તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં આ અંગે તબીબ પુત્રએ પોતાના માતા-પિતાને જાણ કરતા તેઓ દોડી આવ્યા અને બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગર પાસેથી તબીબને ખંડણીનો કોલ આવ્યો હતો
અપહરણની ઘટના બાદ તબીબ દંપતી અને તેનો પુત્ર ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેઓ ઘરે પરત આવ્યા હતા. તે દરમિયાન જ તબીબ જીગ્નેશ ખંઢેડીયાને અપહરણકર્તાનો ફોન આવ્યો હતો જેમાં તેને રૂ.80લાખની ખંડણી મુંબઈ આપી જવાનું કહ્યું હતું અને જો રકમ ન ચુકવે તો પરિવારને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસ તપાસમાં આ ફોન તેમને સુરેન્દ્રનગર પાસેથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
કોણ છે આરોપી ? કેવી રીતે ઝડપાયા ? કોની શું ભુમિકા હતી ?
તબીબ પુત્રના અપહરણના પ્રયાસની ઘટનામાં ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી લેવા કમર કસી હતી. પોલીસે ગુનો નોંધાયા બાદ પ્રથમ જ જે નંબર પરથી ભોગ બનનારને ફોન આવ્યો હતો તેને ટ્રેસ કર્યા હતા અને સીસીટીવી ફુટેજની મદદથી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને આરોપીઓનું પગેરૂ મળી જતા આગળ તે જ દિશામાં તપાસ શરૂ કરતાં તેઓ રાજકોટના કેવલ રમેશ સંચાણીયા સુધી પહોંચ્યા હતા અને સમગ્ર પ્રકરણ પોલીસે ઉઘાડું પાડી દીધું હતું. આ અપહરણના નિષ્ફળ પ્રકરણમાં પોલીસે રાજકોટના કેવલ રમેશભાઇ સંચાણીયા (ઉ.વ.૩ર) (રહે. સાંઇધામ સોસાયટી, શેરી નં. પ, બંસી મકાન સામે, ગોકુલધામ પાછળ, રાજકોટ) , પાટડી પંથકના સંજય  કાંતીભાઇ ડાભી (ઠાકોર), અરવલ્લીના મેઘરજનો જયપાલસિંહ રાઠોડ તેનો મિત્ર સુરેશસિંહ , સુરેશ બચુજી ઠાકોર (રહે. ખાંડીયા, તા.શંખેશ્વર, જી. પાટણ) ચિરાગ દેવાભાઇ ઠાકોર (ઉ.વ.રર) (રહે. વરમોર, તા. માંડલ, જી. અમદાવાદ) સહીત સાત અપહરણકારો હોવાનું ખુલ્‍યું છે. જે પૈકી પોલીસે પાંચની ધરપકડ કરી લીધી છે જ્યારે કે આરોપી જયપાલસિંહ રાઠોડ (રહે. કુણોલ, તા.મેઘરજ, જી.અરવલ્લી) અને તેના મિત્ર સુરેશસિંહની શોધખોળ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, સમગ્ર અપહરણકાંડના કારસાનું એપી સેન્‍ટર જોગાનુજોગ મ્‍યુનિસીપલ કોર્પોરેશન કચેરી બની હતી. ભોગ બનનાર તબીબ પુત્રના કાકા મનસુખભાઇ ખંઢેડીયા ટાઉન પ્‍લાનીંગ શાખામાં અગાઉ ફરજ બજાવતા હતા ત્‍યારે તેમણે પોતાના મદદનીશ તરીકે કોન્‍ટ્રેકટ બેઇઝથી કેવલ રમેશભાઇ સંચાણીયાને રાખ્‍યો હતો. લાંબા સમયથી તેમની સાથે સંકળાયેલા હોવાથી કેવલ મનસુખભાઇના ભાઇ ડો.જીજ્ઞેશ ખંઢેડીયા અને તેમના પરિવારની આર્થીક સુદ્રઢ સ્‍થિતિ અંગે જાણતો હતો. એટલું જ નહિ તેમના ઘરે પણ આવ-જા કરી ચુકયો હોય તેના પુત્રને પણ ઓળખતો હતો. પોતાને પૈસાની જરૂર હોવાથી તબીબ પુત્રનું અપહરણ કરવામાં આવે તો મોટી ખંડણી મળી શકે તેવી ટીપ પણ તેણે તોનાની સાથે જ મ્‍યુનિસીપલ કોર્પોરેશનની વેરા વસુલાત શાખામાં હંગામી ધોરણે એપ્રેન્‍ટીસ તરીકે નોકરી કરતા સંજય ઠાકોરને આપ્‍યા બાદ અપહરણના કારસાને અંજામ આપવાનું શરૂ થયું હતું. એક માસ પહેલા પ્‍લાન ઘડી બાકીના અપહરણકારોને જોડવામાં આવ્‍યા હતા. આમ સમગ્ર કારસાની શરૂઆત કોર્પોરેશન કચેરીમાંથી જ થઇ હતી.
Back to top button