ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગર મનપા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ, 44 બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ

Gandhinagar Municipal Corporation Election 2026:  ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ચૂંટણી પંચે તારીખો જાહેર કરીને ગાંધીનગરમાં લોકશાહીના મહાપર્વનું બ્યુગલ ફૂંકી દીધું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રગટ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે અને રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ થતાં જ સૌપ્રથમ ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ છે. ગાંધીનગર મનપાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

26 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી

રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારો 26 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની તારીખો

26 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 28 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભરાયેલા તમામ ઉમેદવારી પત્રોની સઘન ચકાસણી (સ્ક્રૂટિની) કરવામાં આવશે. ચકાસણી બાદ જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા ન હોય અને પોતાનું નામ પાછું ખેંચવા માંગતા હોય, તેઓ 29 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. 29 સપ્ટેમ્બર ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી તે દિવસે સાંજે ચૂંટણી મેદાનનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

election-prog

11 ઓક્ટોબરે મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકાની તમામ 44 બેઠકો માટે રવિવાર, 11 ઓક્ટોબરે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. જરૂર પડે તો 12 ઓક્ટોબરે પુનઃમતદાન યોજી શકાશે. મતગણતરી 13 ઓક્ટોબરે કરવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની છે. ચૂંટણી EVM દ્વારા યોજાશે. મતદાન સમયે મતદારોને EPIC મતદાર ઓળખપત્ર અથવા ચૂંટણી પંચ દ્વારા માન્ય અન્ય ઓળખ દસ્તાવેજ રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા માળખાકીય તૈયારીઓ કરી લેવામાં આવી

ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ 11 વોર્ડના મતદારો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ માળખાકીય તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયાને પહોંચી વળવા માટે શહેરમાં કુલ 285 મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત સુરક્ષા અને જરૂરી સુવિધાઓ વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નવરાત્રીના પ્રથમ નોરતે મતદાન

આ વખતની ગાંધીનગર મનપાની ચૂંટણી ખૂબ જ ખાસ બની રહેશે, કારણ કે લોકશાહીનો આ ઉત્સવ નવરાત્રીના પાવન પર્વ સાથે યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે શારદીય નવરાત્રીનો પ્રારંભ 11 ઓક્ટોબરથી થઈ રહ્યો છે. આમ ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન નવરાત્રીના પ્રથમ દિવસે યોજાશે. 13 ઓક્ટોબર નવરાત્રીનો ત્રીજો દિવસ રહેશે અને એ જ દિવસે મતગણતરી હાથ ધરાશે.

આચારસંહિતા અમલમાં

રાજ્ય ચૂંટણી પંચે 16 સપ્ટેમ્બરે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતાં જ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ હતી. હવે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થતાં આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અને પ્રચારની પ્રક્રિયા આગળ વધશે.

આ પણ વાંચોઃ ફરી યુદ્ધના ભણકારા? ઈરાનમાં રહેતા નાગરિકોને દેશ છોડવા USની ચેતવણી
Back to top button