ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

ઓડિશાઃ 17 ઓગસ્ટ, 2025: BJD Leader Navin Patnaik Health Update: બીજુ જનતા દળ (BJD)ના સુપ્રીમો અને ઓડિશા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકને રવિવારે ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ભુવનેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, 78 વર્ષીય પૂર્વ મુખ્યમંત્રીની શનિવારે (16 ઓગસ્ટ) રાત્રે તબિયત લથડી હતી.
ત્યાર બાદ, કેટલાક ડૉક્ટરો તેમના નિવાસસ્થાન નવીન નિવાસ ગયા અને તેમની તપાસ કરી. જ્યારેતેમની તબિયતમાં સુધારો ન થયો, ત્યારે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના નિવેદનની રાહ
બીજેડીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ‘હોસ્પિટલ વહીવટીતંત્ર ટૂંક સમયમાં તેમના સ્વાસ્થ્ય અંગે મેડિકલ બુલેટિન બહાર પાડશે.’ પૂર્વ મુખ્યમંત્રીને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ, પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતાનો માહોલ છે.
હાલમાં જ થઈ હતી સર્જરી
નવીન પટનાયકે ગયા મહિને મુંબઈની એક હોસ્પિટલમાં સર્વાઇકલ આર્થરાઇટિસ માટે સર્જરી કરાવી હતી. તેઓ 20 જૂને મુંબઈ ગયા હતા. 22 જૂને તેમની કરોડરજ્જુની સર્જરી થઈ હતી. ત્યાર બાદ, તેમને 7 જુલાઈએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને 12 જુલાઈએ ભુવનેશ્વર પાછા ફર્યા હતા.
આ પણ વાંચોઃ 78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, જાણો તેની પાછળનું કારણ
આ પણ વાંચોઃ ચૂંટણી પંચ ફરી ખોટું બોલે છે… ECની પ્રેસ કોન્ફરન્સ પર કોંગ્રેસનો વળતો જવાબ












