મનોરંજન

‘હનુમાન અંશ’ ની બોક્સ ઓફિસ પર ધૂમ: સેહવાગ અને મધુર ભંડારકરના વખાણ બાદ દિગ્દર્શકે વિરાટ-અનુષ્કાને ફિલ્મ જોવા કરી ખાસ અપીલ!

‘Hanuman Ansh’ Box Office Triumph: હાલમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર તાબડતોબ કમાણી કરી રહી છે. દર્શકોથી લઈને ફિલ્મ વિવેચકો સુધી તમામ લોકો આ ફિલ્મના વખાણ કરતા થાકતા નથી. કંગના રનૌતથી લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ સુધીની હસ્તીઓએ આ ફિલ્મના મુક્તકંઠે વખાણ કર્યા છે. વીરેન્દ્ર સેહવાગે તાજેતરમાં જ પોતાના બાળક સાથે આ ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સેહવાગના આ પ્રતિભાવથી ફિલ્મના લેખક અને દિગ્દર્શક ડૉ. વિશાલ ચતુર્વેદી ભારે ભાવુક થઈ ગયા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફિલ્મ જુએ તેવી દિગ્દર્શકની ઈચ્છા

‘હનુમાન અંશ’ ફિલ્મ પ્રખ્યાત સંત નીમ કરોલી બાબાના જીવનથી પ્રેરિત છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નીમ કરોલી બાબાના પરમ ભક્ત છે અને અવારનવાર તેમના આશ્રમે આશીર્વાદ લેવા જતા હોય છે. તેથી જ દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ દંપતી પણ આ ફિલ્મ જુએ. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, “હું ઈચ્છું છું કે વિરાટ અને અનુષ્કા શક્ય હોય તો આ ફિલ્મ જુએ અને પોતાના મંતવ્યો શેર કરે. જો વિરાટ અને અનુષ્કા આ ફિલ્મ જોશે, તો તે અમારી આખી ટીમ માટે અત્યંત ખુશી અને ગર્વની ક્ષણ હશે.”

મધુર ભંડારકરે ગણાવી ‘કેસ સ્ટડી’

અગાઉ, જાણીતા બોલિવૂડ ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે પણ ‘હનુમાન અંશ’ ની સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી. તેમણે આ ફિલ્મને ભારતીય સિનેમા માટે એક મહત્વપૂર્ણ ‘કેસ સ્ટડી’ ગણાવી હતી. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (અગાઉનું ટ્વિટર) પર મધુર ભંડારકરે લખ્યું હતું કે, થિયેટરોમાં પ્રેક્ષકો ફિલ્મની વાર્તા સાથે એટલા ઊંડાણપૂર્વક જોડાઈ જાય છે કે સ્ક્રીન પરથી નજર હટાવતા નથી. તેમણે ફિલ્મમાં નીમ કરોલી બાબાની ભૂમિકા ભજવનાર અભિનેતા શોભિનવ સત્યના અભિનયની પણ પ્રશંસા કરી હતી. કોઈ મોટા સુપરસ્ટાર કે ભવ્ય બજેટ વગર બનેલી આ ફિલ્મ સાબિત કરે છે કે જો વાર્તામાં દમ હોય, તો તે મોટા બજેટની ફિલ્મોને પણ પાછળ છોડી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સેહવાગના વીડિયોથી દિગ્દર્શક ગદગદ

દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ વીરેન્દ્ર સેહવાગની પ્રતિક્રિયા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “હું પોતે ક્રિકેટનો મોટો ચાહક રહ્યો છું. જે દિવસે સેહવાગે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, તે દિવસે મેં ક્રિકેટ જોવાનું બંધ કરી દીધું હતું. અમારી તરફથી કોઈ સંકેત કે વિનંતી વિના, તેઓ જાતે જ પોતાના બાળક સાથે આ ફિલ્મ જોવા ગયા. ફિલ્મ જોયા બાદ તેમણે જે પ્રતિક્રિયા આપી તેનાથી મને લાગ્યું કે મારું જીવન પૂર્ણ થઈ ગયું છે. એક ફેન તરીકે તેમના તરફથી મળેલો આ પ્રેમ મારા માટે અતિ હૃદયસ્પર્શી છે.”

આ પણ વાંચો: સુનીતા આહુજાએ રાખી ગ્રાન્ડ પાર્ટી, ‘લોક અપ 2’ના સિતારાઓ સાથે જમાવી મહેફિલ

Back to top button