ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વરસાદના પાણીમાં ભીંજાયા બાદ ખંજવાળ આવે છે? તો આ ઉપાયો અચૂક અજમાવો

  • ક્યારેક આ ખંજવાળ એટલી વધી જાય છે કે ત્વચા પર ફોલ્લીઓ અને ખીલ થાય છે. તમને પણ વરસાદમાં ભીના થયા પછી ખંજવાળ આવતી હોય તો તમે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો

HD ન્યુઝ ડેસ્કઃ મોટાભાગના લોકોને ચોમાસાની સિઝનમાં વરસાદમાં ભીંજાવાનું ગમે છે, પરંતુ વરસાદના પાણી, ભેજ અને પરસેવાથી ત્વચા પર ખંજવાળ આવી શકે છે. ક્યારેક આ ખંજવાળ એટલી વધી જાય છે કે ત્વચા પર ફોલ્લીઓ અને ખીલ થાય છે. આવી સ્થિતિમાં લોકો આ ખંજવાળથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના પાઉડર, ક્રીમ અને લોશન લગાવે છે, પરંતુ ક્યારેક તે પણ રાહત આપતા નથી. તમને પણ વરસાદમાં ભીના થયા પછી ખંજવાળ આવતી હોય તો તમે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો. આ ઉપાયો ત્વચાની ખંજવાળ તેમજ બળતરાથી મોટી રાહત આપશે.

લીમડોઃ ખંજવાળ દૂર કરવા માટે તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો હોય છે, જે ખંજવાળ અને બળતરાથી રાહત આપે છે. આ માટે લીમડાનાં ૧૦થી ૧૫ પાનને પાણીમાં ઉકાળો. ત્યાર બાદ તેને ગાળીને ઠંડુ કરો. હવે આ પાણીથી સ્નાન કરો. જો તમે ઇચ્છો તો લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

નાળિયેર તેલઃ વરસાદમાં ભીના થયા પછી તમારા શરીરમાં ખંજવાળ આવતી હોય તો તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે, જે ખંજવાળ અને ચેપની સમસ્યાથી છુટકારો મેળવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે અસરગ્રસ્ત વિસ્તાર પર નાળિયેર તેલ લગાવો. એકથી બે કલાક પછી તેને પાણીથી ધોઈ લો. આનાથી ત્વચા ભેજવાળી રહેશે અને બળતરાથી પણ રાહત મળશે.

એલોવેરાઃ ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં એલોવેરા (કુંવારપાઠું) ખૂબ જ ફાયદાકારક છે. વરસાદના પાણીથી થતી ખંજવાળ અને બળતરાથી છુટકારો મેળવવા માટે તમે તાજી એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં હાજર એન્ટિબેક્ટેરિયલ ગુણો ત્વચાને ચેપથી બચાવે છે અને તેને સ્વસ્થ પણ રાખે છે. એલોવેરા જેલ લગાવવાથી ત્વચાની બળતરામાં પણ રાહત મળે છે.

એપલ સીડર વિનેગરઃ ત્વચાની ખંજવાળ દૂર કરવામાં એપલ સીડર વિનેગર ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે ગરમ પાણીમાં એપલ વિનેગર મિક્સ કરો. હવે આ પાણીથી સ્નાન કરો અથવા તેનાથી અસરગ્રસ્ત વિસ્તારને સાફ કરો. તમે આ પ્રક્રિયાને દિવસમાં બેથી ત્રણ વખત કરી શકો છો.

ટી ટ્રી ઓઈલઃ વરસાદના પાણીથી થતી ખંજવાળ અને બળતરાથી રાહત મેળવવા માટે તમે ટી ટ્રી ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. બદામ અથવા ઓલિવ ઓઈલમાં ટી ટ્રી ઓઈલના થોડા ટીપાં મિક્સ કરો. હવે તેને રૂની મદદથી અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. લગભગ અડધા કલાક પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આનાથી ત્વચામાં થતી બળતરા અને ફોલ્લીઓની સમસ્યામાં પણ રાહત મળશે.

હળદરઃ હળદરમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ ગુણ ચેપને ફેલાતો અટકાવે છે. હળદરની પેસ્ટ બનાવો અને તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવો.

આ પણ વાંચોઃ સુનીલ શેટ્ટીએ મિમિક્રી આર્ટિસ્ટની જાહેરમાં ટીકા કરી, લોકોએ કર્યો ટ્રોલ, જુઓ Video

Back to top button