ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ત્રણ વર્ષની બાળકીને માતા-પિતા કારમાં આ રીતે ભૂલી ગયાં કે પછી..?

Text To Speech

કોટા, 16 મે, 2024: રાજસ્થાનનું કોટા આમ તો કંઈક અલગ રીતે કુખ્યાત છે. અહીં અસંખ્ય શૈક્ષણિક સંસ્થાઓ ફૂટી નીકળેલી છે અને દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે પરંતુ સરેરાશ દર બે-ત્રણ મહિને વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિની જીવન ટૂંકાવી દેતા હોવાના સમાચાર આવ્યા જ કરે છે. પરંતુ આજે જે સમાચાર આવ્યા છે તેને ગુનાઈત બેદરકારી કહેવી કે હત્યા કહેવી કે પછી શું કહેવું?

અહેવાલ મુજબ કોટામાં ત્રણ વર્ષની એક બાળકી ગૌરવિકા નાગર બંધ કારમાં ગુંગળાઈ જવાથી મૃત્યુ પામી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બાળકી તેનાં માતા-પિતા સાથે એક લગ્ન સમારંભમાં ગઈ હતી, પરંતુ માતા-પિતા પાર્કિગમાં કાર પાર્ક કરીને ચાલ્યાં ગયાં અને તેમને તેમની માસુમ દીકરીને સાથે લેવાનું યાદ જ ન આવ્યું! પરિણામે કલાકો સુધી કારમાં રહેલી બાળકી ગુંગળાઈને મૃત્યુ પામી.

પોલીસે નોંધેલા કેસ અનુસાર, કોટાના પ્રદીપ નાગર, તેમનાં પત્ની તથા બે દીકરી જોરાવરપુરમાં એક લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે નીકળ્યાં હતાં. સમારંભ સ્થળે પહોંચ્યા ત્યારે કારમાંથી પ્રદીન નાગરના પત્ની અને મોટી દીકરી ગેટ પાસે ઊતરી ગયા અને પ્રદીપ નાગર એમ માનીને કાર પાર્ક કરવા માટે ચાલ્યા ગયા કે ગૌરવિકા પણ એ લોકો સાથે ઊતરી ગઈ હશે. ત્રણ વર્ષની માસુમ ગૌરવિકા પાછળની સીટમાં સૂઈ રહી હતી તેના પર કોઈનું ધ્યાન ગયું નહીં અને એક તરફ તેમના પત્ની અને મોટી દીકરી તો બીજી તરફ પ્રદીપ નાગર પોતપોતાના સર્કલમાં વાતો કરવામાં અને ભોજન કરવામાં મશગુલ થઈ ગયાં.

અહેવાલ મુજબ, છેવટે હરતાં-ફરતાં ત્રણે ભેગા થયાં ત્યારે ગૌરવિકા વિશે એકબીજાને પૂછ્યું અને ત્યારે જ તેમને ખ્યાલ આવ્યો કે ગૌરવિકા ગુમ છે. બધાએ આખા સમારંભમાં બધે દોડાદોડ કરીને તપાસ કરી પરંતુ ક્યાં ન મળતાં તેઓ કાર તરફ દોડ્યાં અને જોયું તો પાછલી સીટમાં આ માસુમ દીકરી બેહોશ પડી હતી. તેને તત્કાળ હોસ્પિટલ લઈ ગયા પરંતુ બે કલાક કરતાં વધુ સમયથી બંધ કારમાં રહેલી ગૌરવિકા જીવન હારી ચૂકી હતી, હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી.

પોલીસે આ ઘટનામાં કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ સહિત આગળની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં અમર શહીદ સુખદેવની જન્મજયંતી ઉજવાઈ, ‘રાષ્ટ્રીય નાયક’નો દરજ્જો આપવા માંગ

Back to top button