ટ્રેન્ડિંગનેશનલ

એર ઇન્ડિયાની ગંભીર બેદરકારીઃ એક્સપાયર્ડ સર્ટિફિકેટવાળા વિમાનને 8 વાર ઉડાડ્યુ, DGCA લગાવી ફટકાર

નવી દિલ્હી: 2 ડિસેમ્બર, 2025: દેશના ઉડ્ડયન નિયામક ડીજીસીએ (DGCA) એ વિમાન સંચાલન કંપની એર ઇન્ડિયાને ગંભીર બેદરકારી બદલ કડક ફટકાર લગાવી છે. એરલાઇને એરબસ 320નું એક એવું વિમાન સતત ઉડાડ્યું, જેનું ઉડ્ડયન યોગ્યતા પ્રમાણપત્ર (Airworthiness Certificate) સમાપ્ત થઈ ચૂક્યું હતું. આના કારણે અનેક વખત મુસાફરોનો જીવ ગંભીર જોખમમાં મુકાયો હતો.

પ્રમાણપત્રની સમયસીમા સમાપ્ત છતાં 8 ઉડાન

અધિકારીઓના જણાવ્યા મુજબ, એરલાઇન્સે 164 બેઠક ક્ષમતાવાળું એ-320 વિમાન 24 અને 25 નવેમ્બરે 8 વખત ઉડાડ્યું હતું, જ્યારે તેનું એરવર્થીનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) એક્સપાયર થઈ ચૂક્યું હતું. એક એન્જિનિયરે આ ભૂલ પકડી અને ત્યારબાદ વિમાનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું.

DGCAની કાર્યવાહી

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આને ગંભીર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન ગણીને સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ, ઘટનામાં સામેલ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એર ઇન્ડિયાનું નિવેદન

એર ઇન્ડિયાના પ્રવક્તાએ નિવેદન જારી કરીને કહ્યું કે, “અમારા એક વિમાનનું એરવર્થીનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) સમાપ્ત થઈ જવા છતાં ઉડાન ભરવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈપણ અનિવાર્ય નિયમ કે પ્રક્રિયામાં જરા પણ ચૂક અમારા માટે અત્યંત ગંભીર છે અને સંગઠનમાં બિલકુલ સ્વીકાર્ય નથી.”

આંતરિક તપાસ

એરલાઇન્સે કહ્યું કે, આ વાતની જાણ થતાં જ DGCA ને તરત સૂચના આપવામાં આવી અને આ નિર્ણય સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને આગળની તપાસ સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. કંપનીએ વિસ્તૃત આંતરિક તપાસ શરૂ કરી છે.

સુરક્ષા પર સવાલો

જોકે, 12 જૂને અમદાવાદમાં ડ્રીમલાઇનર ક્રેશની ઘટના પછી એર ઇન્ડિયા સતત સવાલોના ઘેરામાં છે. એરલાઇન વારંવાર સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા ગણાવે છે, પરંતુ આ નવી ઘટનાએ તેની સિસ્ટમ અને દેખરેખ પર ઘણા મોટા સવાલો ઊભા કર્યા છે.

 

 

 

Back to top button