ટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીની શાળામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનું મોત, સુસાઇડ નોટ મળ્યાના અહેવાલથી ચકચાર

Delhi School Student Death: દેશની રાજધાની દિલ્હીના શાહદરા જિલ્લામાં આવેલી સરકારી શાળામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. કૃષ્ણા નગર વિસ્તારમાં આવેલી શાળાના ગાર્ડ રૂમ પાછળ વિદ્યાર્થિની દાઝેલી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ આ આત્મહત્યાનો શંકાસ્પદ બનાવ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને ક્રાઇમ સીન ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

શાળાના ગાર્ડ રૂમ પાછળથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો

મળતી માહિતી અનુસાર શનિવારે દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં આગની ઘટનાને લઈને પોલીસ કંટ્રોલ રૂમને ફોન મળ્યો હતો. માહિતી મળતાં કૃષ્ણા નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

શાળાના ગાર્ડ રૂમની પાછળ ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દાઝેલી હાલતમાં મળી આવી હતી. ઘટનામાં તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું છે. વિદ્યાર્થીનીની ઉંમર અંગે અહેવાલોમાં તફાવત જોવા મળે છે. પરિવારના જણાવ્યા મુજબ તેની ઉંમર 17 વર્ષ હતી, જ્યારે પોલીસના પ્રાથમિક નિવેદનમાં આશરે 18 વર્ષની ઉંમર દર્શાવવામાં આવી છે.

ત્રણ પાનાની સુસાઇડ નોટ મળ્યાના અહેવાલ

મીડિયા અહેવાલો અનુસાર વિદ્યાર્થિની પાસેથી ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને ઘટનાસ્થળ અને વિદ્યાર્થિનીની સ્કૂલ બેગમાંથી કેટલીક વસ્તુઓ મળી આવી છે. જોકે પોલીસ દ્વારા આ સામગ્રીની સંપૂર્ણ વિગતો અથવા સુસાઇડ નોટની સામગ્રી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. વિદ્યાર્થિનીના મોત પાછળનાં કારણો પણ હજુ સ્પષ્ટ થયાં નથી.

ક્રાઇમ સીન ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી

ઘટના અંગે માહિતી મળતાં પોલીસે ક્રાઇમ સીન ટીમને બોલાવી હતી. તપાસકર્તાઓ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરીને સંબંધિત પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટના પહેલાં શાળામાં શું બન્યું હતું અને કયા સંજોગોમાં વિદ્યાર્થિનીનું મોત થયું. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

વિદ્યાર્થિનીના મોત પાછળનું કારણ હજુ અકબંધ

આ બનાવને લઈને કેટલાક મીડિયા અહેવાલોમાં વ્યક્તિગત સંબંધો સાથે સંકળાયેલી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આ અંગે પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ અને અંતિમ તારણ જાહેર કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થિનીનું મોત કયા સંજોગોમાં થયું અને ઘટનાની પાછળ કયાં પરિબળો જવાબદાર હતાં તે અંગે તપાસ ચાલુ છે. પોલીસે હજી સુધી તમામ વિગતો જાહેર કરી નથી.

આ પણ વાંચોઃ ડ્રગ્સની હેરાફેરી રોકવા પોલીસનું મોટું પગલું, હવે કુરિયર અને ડિલિવરી કંપનીઓ પર કડક નજર
Back to top button