કપિલ શર્માના કૅફે પર ફાયરિંગના માસ્ટરમાઇન્ડની ધરપકડ, કેનેડાથી ભારત આવતા જ ફસાયો

નવી દિલ્હી: 28 નવેમ્બર, 2025: Crime News: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક્ટર-કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત કૅફે પર થયેલા ગોળીબારના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે લુધિયાણામાંથી બંધુ માન સિંહ નામના એક શખસની ધરપકડ કરી છે, જે ભારત-કેનેડા સ્થિત ગોલ્ડી ઢિલ્લોન ગેંગનો મુખ્ય ખેલાડી માનવામાં આવે છે. તપાસમાં બહાર આવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં કેનેડામાં કપિલ શર્માના ‘કૅપ્સ કૅફે’ પર ફાયરિંગ કરનારા શૂટરોને આ વ્યક્તિએ જ ગાડી અને અન્ય લોજિસ્ટિક મદદ પૂરી પાડી હતી.
ISI લિંકવાળા હથિયાર નેટવર્કથી ખૂલ્યું રહસ્ય
ગયા અઠવાડિયે ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાનથી આવી રહેલા હથિયારોના એક મોટા સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગ પાસેથી ચીન અને તુર્કીયે નિર્મિત પિસ્તોલો સહિતના હથિયારો મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓએ ખુલાસો કર્યો કે તેમણે એક હથિયાર પંજાબના લુધિયાણામાં બંધુ માન સિંહને આપ્યું હતું. આ પુરાવાના આધારે પોલીસે 25 નવેમ્બરે બંધુ માન સિંહને પકડી પાડ્યો.
ગોલ્ડી ઢિલ્લોન અને ISI કનેક્શન
પૂછપરછમાં સામે આવ્યું કે, બંધુ માન સિંહ લાંબા સમયથી કેનેડામાં હતો અને ફાયરિંગની ઘટનાઓ પછી ભારત ભાગી આવ્યો હતો. ભારતમાં પાછા આવીને તેણે ફરીથી ગોલ્ડી ઢિલ્લોન ગેંગનું નેટવર્ક ઊભું કરવાનું શરૂ કરી દીધું હતું..
ગોલ્ડીની ગેંગના સંપર્કમાં
પોલીસે તેની પાસેથી ચીનમાં બનેલી હાઇ-એન્ડ PX-3 પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. તેણે કબૂલ્યું કે, કૅફે પર ફાયરિંગ કરનારા શૂટર ગુરજોત અને દલજોત ફરાર છે અને કેનેડામાં છુપાયેલા હોય શકે છે. તે ગોલ્ડી ઢિલ્લોન અને કેનેડામાં રહેલા સીબુ ગેંગસ્ટરના સંપર્કમાં હતો.
સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ, તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાનની ISI ભારતમાં સક્રિય ઘણા મોટા ગેંગસ્ટરોને આધુનિક હથિયારો ઉપલબ્ધ કરાવી રહી છે. ISI ડ્રોન દ્વારા સરહદી વિસ્તારોમાં હથિયારો ફેંકે છે, જે ગેંગસ્ટર GPS લોકેશનના આધારે ઉઠાવી લે છે. બંધુ માન ISIના એજન્ટ હેરી ચઢ્ઢા નામના એક શખસના સંપર્કમાં પણ હતો, જે હાલમાં પાકિસ્તાનમાં હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ બકરી ચોર દીપડાના પાંજરામાં ફસાઈ ગયો! બે કલાક પછી વન વિભાગે તેને મુક્ત કર્યો જુઓ વિડિયો












