CJP Protest: પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી નહીં થાય, દિલ્હી સરકારનો મોટો નિર્ણય!

CJP protest Delhi govt relief: દિલ્હી સરકારે પ્રદર્શનમાં સામેલ લોકોને મોટી રાહત આપતા તેમની સામે કોઈ પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ બાબતને અહીં જ પૂર્ણ થયેલી ગણવામાં આવશે અને ભવિષ્યમાં આ આધારે કોઈ નવી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ રાહત એવા લોકોને નહીં મળે જેમનો ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઈતિહાસ (Criminal Record) રહ્યો છે. ગુનાહિત રેકોર્ડ ધરાવતા કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
સરકારે જણાવ્યું છે કે જો પ્રદર્શન દરમિયાન કોઈ વ્યક્તિની અટકાયત કે ધરપકડ કરવામાં આવી હોય, તો તેમના કેસની સમીક્ષા કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા લોકોને વહેલી તકે મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ, પ્રદર્શનકારીઓ સામે આગળ કોઈ પ્રતિકૂળ પગલાં લેવાનો ઈરાદો નથી અને સમગ્ર મામલો બંધ થયેલો ગણાશે.
ઓફિશિયલ રિલીઝની મહત્વની વાતો:
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નિર્ણય:
NEET-UG પરીક્ષાની ગડબડો અંગે થયેલા પ્રદર્શનોના મામલે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCT) દિલ્હી સરકારના ગૃહ વિભાગે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે CJP (Cockroach Janta Party) સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓ સામે કોઈ પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે. આ નિર્ણય ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ‘શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી વિરૂદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય’ કેસમાં આપવામાં આવેલા આદેશ બાદ લેવાયો છે.
13 એફઆઈઆર નોંધાઈ હતી
ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, 29 જુલાઈ 2026ની સાંજ સુધીમાં NEET-UG પરીક્ષાની ધાંધલીના વિરોધમાં થયેલા પ્રદર્શનો સંદર્ભે દિલ્હી પોલીસ દ્વારા એકંદર 13 FIR નોંધવામાં આવી હતી. આ તમામ કેસોની સમીક્ષા કર્યા બાદ દિલ્હી સરકારે પ્રદર્શનકારીઓ સામે વધુ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે.
ગુનાહિત ઈતિહાસ ધરાવનારાઓને રાહત નહીં
સરકારી આદેશ મુજબ દિલ્હી પોલીસ કે NCTની કોઈપણ પોલીસ ઓથોરિટી દ્વારા સામાન્ય પ્રદર્શનકારીઓ સામે કોઈ નવું કાનૂની પગલું ભરાશે નહીં. પરંતુ જેમની સામે પૂર્વમાં ગુનાહિત રેકોર્ડ છે, તેમને આ સુવિધાનો લાભ મળશે નહીં અને તેમની સામે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબ કાર્યવાહી થશે.
ધરપકડ કરાયેલાઓની સમીક્ષા
પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે જો આ કેસોમાં કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય કે કસ્ટડીમાં લેવાયા હોય, તો તેમની ધરપકડની તાત્કાલિક સમીક્ષા કરી નિર્દોષ અને પાત્ર લોકોને વહેલી તકે છોડી મુકવામાં આવશે. દિલ્હી સરકારે ભવિષ્યમાં પણ આ પ્રદર્શનો સંદર્ભે કોઈ પગલાં ન લેવાની ખાતરી આપતાં મામલો ક્લોઝ જાહેર કર્યો છે.
ઉપરાજ્યપાલ (LG)ની મંજૂરી
આ આદેશ દિલ્હીના ઉપરાજ્યપાલ (LG)ની મંજૂરી મળ્યા બાદ અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી (હોમ) સંતોષ ડી. વૈદ્ય દ્વારા આ ઓફિશિયલ રિલીઝ રજૂ કરાઈ છે, જેની નકલ મુખ્ય સચિવ, દિલ્હી પોલીસ કમિશનર અને ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશનને મોકલી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ CWG 2026 : ભારતના ભાલા ફેંકનાર ત્રિપુટી ફાઇનલમાં પ્રવેશ્યા, નીરજ ચોપરા મેડલથી એક પગલું દૂર
આ પણ વાંચોઃ ચોમાસા દરમ્યાન આકાશીય આફત વીજળીથી બચવા કરો આ કામ, જાણો સંપૂર્ણ માહિતી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












