VB-G RAM G કાયદાના વિરોધમાં કોંગ્રેસ “મનરેગા બચાવો” આંદોલન શરુ કરશે, ત્રણ તબક્કામાં રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત

નવી દિલ્હી: ગ્રામિણ રોજગારને લઈને મનરેગાની જગ્યાએ કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા VB-G RAM G કાયદાના વિરોધમાં કોંગ્રેસે “મનરેગા બચાવો” આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ 10 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ત્રણ તબક્કામાં રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાનના ભાગ રૂપે, પંચાયત સ્તરથી લઈને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી વિરોધ પ્રદર્શનો અને રેલીઓનું આયોજન કરવામાં આવશે.
પ્રથમ તબક્કા હેઠળ, 10 જાન્યુઆરીએ દેશભરના જિલ્લા કોંગ્રેસ કાર્યાલયોમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને 11 જાન્યુઆરીએ, કોંગ્રેસના નેતાઓ જિલ્લા મુખ્યાલય અથવા ગાંધી/આંબેડકરની પ્રતિમાઓ પાસે એક દિવસનો ઉપવાસ કરશે. આ પછી બીજો તબક્કો 12 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી ચાલશે. ગ્રામ પંચાયત સ્તરે ગ્રામ પરિષદની બેઠકો યોજાશે. આ સાથે, કોંગ્રેસના કાર્યકરો વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ ખડગેના પત્રો ગામના સરપંચો, રોજગાર અધિકારીઓ અને મનરેગા કામદારોને સોંપશે. 30 જાન્યુઆરી, શહીદ દિવસના રોજ, વોર્ડ સ્તરે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ગ્રામ્ય સ્તરે વ્યાપક જનજાગૃતિ બાદ, ત્રીજા તબક્કામાં, 31 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા મુખ્યાલય ખાતે મનરેગા બચાવો ધરણા યોજાશે. 7 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી વિધાનસભાઓનો ઘેરાવ કરવામાં આવશે. 16 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ચાર મોટી રેલીઓ યોજાશે, જેમાં રાહુલ ગાંધી અને ખડગે જેવા અગ્રણી નેતાઓ ભાગ લેશે. રેલીઓની તારીખો અને સ્થાનો આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.
VB-G RAM G કાયદા પર નિશાન સાધતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આનુ માત્ર નામ મોટુ છે, બાકી તેમાં ગેરંટી માત્ર કેન્દ્રિકરણની જ છે. રોજગારની કોઈ ગેરંટી નથી, કે રાજ્ય સરકારો માટે નાણાકીય સહાયની કોઈ ગેરંટી નથી. આ કાયદા હેઠળ, ફક્ત કેન્દ્ર સરકાર જ નક્કી કરશે કે ભંડોળ કેવી રીતે ફાળવવામાં આવશે, કયા આધારે અને કઈ પંચાયતોને આનો લાભ થશે. હવે, આ રોજગારનો અધિકાર નથી રહ્યો, પરંતુ કેન્દ્ર સરકારનો એક કેન્દ્રીય કાર્યક્રમ બની ગયો છે.
જયરામ રમેશે એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસના મનરેગા બચાવો આંદોલનમાં અન્ય પક્ષો અને નાગરિક સમાજ સંગઠનોને સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવશે. આનુ પરિણામ પણ ત્રણ કૃષિ કાયદાઓ જેવું જ આવશે. મનરેગા પાછુ આવશે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે VB-G RAM G કાયદાને લઈને તમામ વિપક્ષી પક્ષો એકબીજા સાથે ચર્ચા કરશે, અને વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સંયુક્ત રણનીતિ બનાવશે. તેને કોર્ટમાં પડકારવાની તૈયારી પણ ચાલી રહી છે.
કોંગ્રેસના આક્રમક વલણને ધ્યાનમાં રાખીને, ભાજપ પણ નવા કાયદાના પક્ષમાં રણનીતિ બનાવી રહ્યું છે. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે ભાજપના અભિયાનથી કોંગ્રેસને જ મદદ મળશે અને મનરેગા બચાવો આંદોલનના પક્ષમાં અનુકૂળ વાતાવરણ બનશે.
આ પણ વાંચો: મોંઘવારીનો ડામ: કોપર અને એલ્યુમિનિયમના ભાવ આસમાને, હવે એસી, ફ્રીજ અને રસોડાના વાસણો થશે મોંઘા












