ટ્રેન્ડિંગનેશનલ

મોંઘવારીનો ડામ: કોપર અને એલ્યુમિનિયમના ભાવ આસમાને, હવે એસી, ફ્રીજ અને રસોડાના વાસણો થશે મોંઘા

નવી દિલ્હી: 3 જાન્યુઆરી, 2026:  Metal Price Hike 2026: વર્ષ 2026માં સોના અને ચાંદીના ભાવમાં તેજી બાદ હવે ઈન્ડસ્ટ્રિયલ મેટલ્સ (ઔદ્યોગિક ધાતુઓ)ના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સપ્લાયની અછત અને વધતી જતી માંગને કારણે એલ્યુમિનિયમ અને કોપર (તાંબુ) રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આ વધારાની સીધી અસર હવે સામાન્ય લોકોના ઘરના બજેટ પર પડવા જઈ રહી છે.

એલ્યુમિનિયમ અને કોપરના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો

એલ્યુમિનિયમ: ત્રણ વર્ષમાં પ્રથમ વખત એલ્યુમિનિયમની કિંમત 3,000 અમેરિકી ડોલર પ્રતિ ટનને પાર કરી ગઈ છે. ચીનમાં ઉત્પાદન પરના પ્રતિબંધો અને યુરોપમાં વીજળીના ઊંચા ખર્ચને કારણે ઉત્પાદનમાં ઘટાડો આ તેજીનું મુખ્ય કારણ છે.

કોપર (તાંબુ): લંડન મેટલ એક્સચેન્જ પર કોપરની કિંમત 12,000 અમેરિકી ડોલર પ્રતિ ટનને વટાવી ગઈ છે. ભારતીય બજાર (MCX) પર કોપરનો ભાવ કિલો દીઠ 1,300 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે આ વર્ષે 6% થી વધુનો ઉછાળો દર્શાવે છે.

કેમ વધી રહ્યા છે ભાવ?

નિકલ, કોપર અને એલ્યુમિનિયમના ભાવ વધવા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે:

ખાણ અકસ્માતો: ઇન્ડોનેશિયા, ચિલી અને કોંગોમાં ખાણ અકસ્માતોને કારણે સપ્લાય ખોરવાયો છે.

ગ્રીન એનર્જીની માંગ: રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રિક વ્હીકલ અને AI પ્રોજેક્ટ્સમાં આ ધાતુઓનો વપરાશ વધ્યો છે.

આર્થિક રિકવરી: ચીનની આર્થિક સ્થિતિમાં સુધારો અને અમેરિકી ડોલરની નબળાઈને કારણે રોકાણકારો કોમોડિટી માર્કેટ તરફ વળ્યા છે.

તમારા ખિસ્સા પર શું અસર થશે?

તૈયાર માલ બનાવતી કંપનીઓના જણાવ્યા અનુસાર, કાચા માલમાં કોપર અને એલ્યુમિનિયમનો મોટો હિસ્સો હોય છે. જેના કારણે આગામી દિવસોમાં કોપર કોઈલ મોંઘી થવાથી એ.સી, ફ્રિજના ભાવ વધશે. વાસણો અને અન્ય એપ્લાયન્સીસના ભાવમાં 5 થી 8 ટકાનો વધારો થઈ શકે છે. આ સિવાય પાઈપ અને ફિટિંગ્સના ભાવ પણ વધવાની શક્યતા છે.

નિષ્ણાતોનું અનુમાન

ગોલ્ડમેન સૅક્સના રિપોર્ટ અનુસાર, 2026ના પ્રથમ છ મહિના સુધી કોપર અને અન્ય ઔદ્યોગિક ધાતુઓના ભાવ ઊંચા જ રહેશે. આનો અર્થ એ છે કે ગ્રાહકોએ રોજિંદી વપરાશની વસ્તુઓ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

Back to top button