ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

લો બોલો, હવે પાકિસ્તાને ભારતીય ગીતોનાં પ્રસારણ ઉપર પ્રતિબંધ મૂક્યો!

નવી દિલ્હી, 2 મે 2025: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ત્યારે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે, પાકિસ્તાને દેશના તમામ એફએમ રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતોના પ્રસારણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (PBA)ના જનરલ સેક્રેટરી શકીલ મસૂદે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનો પર હવે ભારતીય ગીતો વગાડવામાં આવશે નહીં.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે તમામ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ બ્લોક કરી દેવામાં આવ્યાં છે. આ સાથે, ભારતમાં 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે હવે પાકિસ્તામાં પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશને દેશભરમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાન સરકારે 1 મેના રોજ આ અંગે એક સૂચના જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે હવે પાકિસ્તાનમાં બોલિવૂડ ગીતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું, ‘હવે પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતો વગાડવામાં આવશે નહીં.’ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

પાકિસ્તાન બ્રોડકાસ્ટિંગ એસોસિએશન (PBA) ના જનરલ સેક્રેટરી શકીલ મસૂદે જણાવ્યું હતું કે, ‘PBA એ તાત્કાલિક અસરથી દેશભરના પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનો પરથી ભારતીય ગીતોનું પ્રસારણ બંધ કરી દીધું છે.’ ભારતીય ગીતો, ખાસ કરીને લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશ જેવા મહાન ગાયકોના ગીતો, પાકિસ્તાનીઓમાં લોકપ્રિય છે અને અહીંના એફએમ રેડિયો સ્ટેશનો પર દરરોજ વગાડવામાં આવે છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તા તરારે પીબીએના નિર્ણયની પ્રશંસા કરી છે.

પીબીએને લખેલા પત્રમાં, અત્તા તરારે કહ્યું, “પીબીએનું દેશભક્તિનું પગલું ખૂબ જ પ્રશંસનીય છે અને સમગ્ર રાષ્ટ્રની સામૂહિક ભાવનાને પ્રતિબિંબિત કરે છે. પાકિસ્તાનના એફએમ સ્ટેશનો પર ભારતીય ગીતો પર પ્રતિબંધ દર્શાવે છે કે આપણે બધા આવા મુશ્કેલ સમયમાં રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા અને મૂળ મૂલ્યોને ટેકો આપવા માટે એક છીએ.”

આ પણ વાંચો..પ્રવાસીઓની એન્ટ્રી બંધ, મદરેસા ખાલી, હોટેલ અને ગેસ્ટ હાઉસમાં સેના… PoKમાં ઈમરજન્સી જેવી સ્થિતિ!

Back to top button