CJP Protest: ગુજરાત કોંગ્રેસ આક્રમક અંદાજમાં, ભાજપનું વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે સમેટાયું

CJP Protest Gujarat: દેશભરમાં ગાજેલા NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે. ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા ધરણાંના ઘેરા પ્રત્યાઘાતો હવે ગુજરાતના રાજકારણમાં પણ જોવા મળી રહ્યા છે. દિલ્હીના પ્રદર્શનના વળતા જવાબમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવ્યા હતા. આજે 22 જુલાઈએ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવને કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. ત્યાર બાદ રેલી કાઢવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા.
રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળીને હજુ તો ચાર રસ્તા પાસે પહોંચે ત્યાં જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રેલીમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની ગાડી પર ચઢી ગયા હતા. જેમને નીચે ઉતારવા પોલીસે પણ ગાડી પર ચઢવું પડ્યું. તો ધારાસભ્ય અમિત ચાવડા, ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો હતો. ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં NEETની પરીક્ષા અગાઉ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ પહોંચ્યા હતા. પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે મારા દીકરાએ પણ જીવ ગુમાવ્યો છે એટલે હું દિલ્હી વિરોધમાં ગયો હતો આજે અમદાવાદ આવ્યો છું.
View this post on Instagram
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર ગઇકાલે કરેલા પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આજે બપોરે 2 વાગ્યે ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મોટી સંખ્યામાં કાર્યકરોને લઈને પહોંચ્યા હતા. તો અમિત ચાવડાએ કાર્યકરો સાથે કાર્યાલયની સીડી પર જ મોરચો સંભાળ્યો હતો. અંદાજિત એક કલાકના સૂત્રોચ્ચાર બાદ ભાજપના નેતાઓ પરત ફર્યા હતા. ગુજરાત ભાજપનું વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.
પ્લે કાર્ડ સાથે વિરોધ અને સામસામે સૂત્રોચ્ચાર
વિરોધ પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશ પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાતાં માહોલ ગરમાયો હતો. ભાજપના કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ્સ લઈને કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચ્યા હતા અને કોંગ્રેસ હાય હાય તથા રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી રોડ પર બેસી ગયા હતા.
બીજી તરફ ભાજપના આક્રમક વિરોધને જોતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ કાર્યાલયના પગથિયાં પર બેસી ગયા હતા. કોંગ્રેસ દ્વારા પણ ભાજપના વિરોધમાં મોદી-શાહ હાય હાય અને ચોકીદાર ચોર હૈના સામસામે તીખા નારા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે બંને પક્ષના કાર્યકર્તા વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: ડ્રોનથી નજર અને ડબલ લેયર બેરિકેડિંગ
સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ઝોન 7 સહિત આસપાસના વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમો સાથે JCP, DCP, ACP, PI અને PSI સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો હતો. કોંગ્રેસ ભવન તરફ આવતા મુખ્ય રસ્તાઓ પર પોલીસે ડબલ લેયર બેરિકેડ્સ લગાવીને આખા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સીધું ઘર્ષણ ટાળવા માટે પોલીસે સમગ્ર વિસ્તાર પર ડ્રોન કેમેરાથી કડક નજર રાખી હતી. પોલીસે કોંગ્રેસ કાર્યાલયને ચારેય તરફથી ઘેરી લઈને નેતાઓ અને કાર્યકરોને બહાર નીકળતા અટકાવ્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ અમદાવાદમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.












