ગુજરાતટ્રેન્ડિંગ

છોટાઉદેપુરમાં પતંગના ચાઈનીઝ દોરાએ લીધો બાઈક ચાલકનો ભોગ

છોટાઉદેપુર, 18 નવેમ્બર 2025: ઉત્તરાયણનો તહેવાર હજુ દોઢ મહિનો દૂર છે, પરંતુ પતંગબાજીના ઉન્માદે ફરી એક જીવન છીનવી લીધું છે. બોડેલી તાલુકાના અલીપુરા ચારરસ્તા પાસે આજે સવારે બાઈક ચાલક જગદીશભાઈ તરબડા (ઉં.વ. ૪૨, રહે. ડભોઈ)ના ગળામાં લટકતો ચાઈનીઝ માંજો ફસાતાં ગંભીર ઈજા થઈ હતી. ઝડપથી બાઈક પરથી પટકાતાં તેમનું માથું રસ્તા પર અથડાયું અને ગળામાંથી ભારે લોહી વહેવા લાગ્યું હતુ. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી બોડેલી સરકારી હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું.

જગદીશભાઈ સવારે પોતાના ગામથી ડભોઈ સંબંધીઓ પાસે જઈ રહ્યા હતા. તેમણે હેલ્મેટ પહેર્યું ન હતું, જેના કારણે દોરો સીધો ગળામાં ફસાયો અને ઊંડો ઘા થયો. ડોક્ટર્સના જણાવ્યા મુજબ ગળાની નસ કપાઈ ગઈ હતી અને મગજમાં પણ ગંભીર આંતરિક ઈજા થઈ હતી.

આ ઘટનાએ ફરી એકવાર ચાઈનીઝ દોરા અને ખતરનાક માંજા પર પ્રતિબંધની માંગને જોર આપ્યું છે. સ્થાનિક સામાજિક કાર્યકર્તા રમેશભાઈ પટેલે જણાવ્યું, “દર વર્ષે ઉત્તરાયણમાં ૪-૫ લોકો મરે છે, પરંતુ પોલીસ અને વહીવટી તંત્ર હજુ સુધી ચાઈનીઝ દોરાના વેચાણ-ઉપયોગ પર કડક કાર્યવાહી કરતું નથી.” બોડેલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: માણાવદરના MLA અરવિંદ લાડાણીના બફાટથી ખેડૂતોમાં રોષ, વીડિયો વાયરલ

Back to top button