લલિત મોદીએ મેળવી બ્રિટિશ નાગરિકતા, એક્સ પર પોસ્ટ કરીને વ્યક્ત કર્યો ગર્વ

Lalit Modi-british-citizenship: IPLના પૂર્વ ચેરમેન અને ભારતમાં આર્થિક અનિયમિતતાના આરોપોનો સામનો કરી રહેલા લલિત મોદી ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે 14 નવેમ્બર 2026ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરીને બ્રિટિશ નાગરિકતા મેળવ્યાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે બ્રિટિશ નાગરિક બનવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો.
ઓક્સફર્ડ યુનિયનના મંચ પરથી કરી જાહેરાત
લલિત મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 14 નવેમ્બર 2026ના રોજ તેમને ઓક્સફર્ડ યુનિયન (Oxford Union)ને સંબોધવાની તક મળી હતી. આ પ્રસંગે તેમણે પોતાના જીવનની એક ખાસ અને અંગત સિદ્ધિ સૌની સાથે શેર કરી હતી. તેમણે કહ્યું કે, તેમને બ્રિટિશ નાગરિક હોવાનો ગર્વ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 15 સપ્ટેમ્બર 2026ના રોજ પરિવાર અને મિત્રો વચ્ચે તેમણે બ્રિટિશ નાગરિકતા મળવાની ખુશીની ઉજવણી કરી હતી. આ સમારોહ તેમના હૃદયની નજીક રહેશે. યુનાઇટેડ કિંગડમ (United Kingdom) ઘણા વર્ષોથી તેમનું ઘર રહ્યું છે અને તેઓ ત્યાંના લોકો, સંસ્થાઓ, પરંપરાઓ તથા મૂલ્યોનું ખૂબ સન્માન કરે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘બ્રિટિશ નાગરિક બનવું સૌભાગ્ય અને મોટી જવાબદારી’
લલિત મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, બ્રિટિશ નાગરિક બનવું તેમના માટે સૌભાગ્યની વાત છે અને સાથે એક મોટી જવાબદારી પણ છે. તેઓ આ જવાબદારીને ગર્વ, કૃતજ્ઞતા અને અપનાપણાની ભાવના સાથે સ્વીકારે છે.તેમણે કહ્યું કે, તેમનું જીવન વિવિધ સંસ્કૃતિઓ અને અનુભવોનું મિશ્રણ રહ્યું છે. હવે તેઓ જે દેશને ગર્વથી પોતાનું ઘર કહે છે, ત્યાં સકારાત્મક યોગદાન આપવાનું ચાલુ રાખવા ઉત્સુક છે. આ સાથે તેમણે પોતાના પરિવાર, મિત્રો અને આ સફરમાં સાથ આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. ઓક્સફર્ડ યુનિયનનો પણ આ યાદગાર પ્રસંગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસે આ ક્ષણ શેર કરવી તેમના માટે વધુ ખાસ બની હોવાનું તેમણે જણાવ્યું હતું.
2010થી ભારત બહાર રહે છે લલિત મોદી
ઉલ્લેખનીય છે કે, લલિત મોદી વર્ષ 2010માં IPL સાથે જોડાયેલા કથિત નાણાકીય અનિયમિતતાના મામલાઓની તપાસ શરૂ થયા બાદ ભારત છોડીને બ્રિટન ગયા હતા. ત્યારથી તેઓ લંડનમાં રહે છે. IPLના સ્થાપક અને પૂર્વ ચેરમેન તરીકે જાણીતા લલિત મોદી સામે ભારતમાં વિવિધ નાણાકીય તપાસ ચાલી રહી છે. તેમની બ્રિટિશ નાગરિકતા અંગેની જાહેરાત બાદ ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે.
આ પણ વાંચો : છઠ પૂજાના તહેવારનો ત્રીજો દિવસ : ડૂબતા સૂર્યને અર્પણ કરાશે અર્ધ્ય











