માણાવદરના MLA અરવિંદ લાડાણીના બફાટથી ખેડૂતોમાં રોષ, વીડિયો વાયરલ

જૂનાગઢ, 18 નવેમ્બર 2025: માણાવદર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ખેડૂતોની ફરિયાદોને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદનથી આખા તાલુકામાં આક્રોશનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક મીડિયા સામે બોલતા લાડાણીએ કહ્યું, “મને સળી કરવાવાળાના ફોન હું ઉપાડતો નથી. ખેડૂતોએ ફરિયાદ કરી હોય તે વાત તદ્દન ખોટી છે. કાર્યાલય ખોલવું કે ન ખોલવું એ મારી મરજીની વાત છે.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
છેલ્લા ત્રણ મહિનાથી માણાવદર તાલુકાના ખેડૂતો વધુ વરસાદથી થયેલા પાકના નુકસાન, સર્વેની બાકી રકમ, સિંચાઈની સમસ્યા અને જમીનના વિવાદોને લઈને MLAના કાર્યાલયે ચક્કર લગાવતા હતા, પરંતુ મળતા ન હતી. ખેડૂતોનું કહેવું છે કે ધારાસભ્યનો મોબાઈલ હંમેશા બંધ કે અનરીચેબલ રહે છે અને કાર્યાલય પણ મહિનાઓથી બંધ છે.
આ નિવેદન બાદ ખેડૂતોએ પોતાના મોબાઈલમાં વીડિયો બનાવીને જવાબ આપ્યો છે. એક ખેડૂતે વીડિયોમાં કહ્યું, “અમે તમને ચૂંટીને મોકલ્યા છે કે અમારી સેવા કરો, અમને સળી કહો એ માટે નહીં. હવે અમે પણ તમારા ફોન નહીં ઉપાડીએ, પણ વોટ પણ નહીં આપીએ.” આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ભાજપના સ્થાનિક આગેવાનોએ આ મામલે મૌન સેવ્યું છે, જ્યારે વિપક્ષી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે “આ ભાજપની ખેડૂત વિરોધી માનસિકતાનું જીવતું ઉદાહરણ છે.” ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો ત્રણ દિવસમાં લાડાણીએ માફી ન માંગી તો મોટું આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરત પોલીસે 25 વર્ષથી મર્ડર-લૂંટના ફરાર આરોપીને છત્તીસગઢમાંથી ઝડપી પાડ્યો!












