ગુજરાતટ્રેન્ડિંગ

ચાંદખેડા AMC ચૂંટણીમાં મતદાર યાદી કાપને લઈ ભારે અસંતોષ, અનેક મતદારો મતદાનથી વંચિત

Voting Rights: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણી દરમિયાન આજે (26 એપ્રિલ) ચાંદખેડા વોર્ડના બુથ નંબર 30માં મોટી અસંતોષની ઘટના સામે આવી છે. ઓલિવ રેસિડન્સી, સમન્વય રેસિડન્સી, પંચશ્લોક રેસિડન્સી, હરીમુગટ અને સિદ્ધેશ્વરી સોસાયટીના અનેક મતદારોના નામ ઉમેદવારોને આપવામાં આવેલી યાદીમાં હતા, પરંતુ ચૂંટણી પંચની અંતિમ મતદાર યાદીમાં તેમના નામ સામે “deleted”નો સિક્કો લાગેલો જોવા મળ્યો.

મતદારોનું કહેવું છે કે તેમના નામ કાપવા અંગે ચૂંટણી પંચ તરફથી કોઈ માહિતી કે નોટિસ આપવામાં આવી નહોતી. તેઓએ જણાવ્યું કે તેઓ વર્ષોથી આ વિસ્તારમાં રહે છે અને અગાઉની તમામ યાદીમાં તેમના નામ સામેલ હતા. અચાનક નામ કાપી દેવામાં આવતા તેઓ મતદાનથી વંચિત રહી ગયા છે.

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન અમદાવાદમાં કુલ 8.24 લાખ મતદારોના નામ યાદીમાંથી કાઢવામાં આવ્યા હતા. ચાંદખેડા વોર્ડમાં અન્ય વોર્ડોની સરખામણીમાં મતદારોની સંખ્યા વધેલી જોવા મળતી હોવા છતાં, આ બુથ પર નામ કાપવાની ફરિયાદો સામે આવી છે.

સ્થાનિક મતદારો અને કાર્યકર્તાઓએ આ મુદ્દાને ગંભીર ગણાવ્યો છે અને જણાવ્યું છે કે આવી કાર્યવાહીથી લોકશાહી પ્રક્રિયા પર અસર પડી રહી છે. તેમણે ચૂંટણી અધિકારીઓને તાત્કાલિક તપાસ કરીને સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ કાપ મૃત્યુ, સ્થળાંતર અને ડુપ્લિકેટ નામોને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક સ્તરે વિવાદ અને ફરિયાદો સતત વધી રહી છે.

આ પણ વાંચો: મહેસાણાના દેલા ગામમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર, બપોર સુધી શૂન્ય મતદાન

Back to top button