ગુજરાતટ્રેન્ડિંગ

મહેસાણાના દેલા ગામમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર, બપોર સુધી શૂન્ય મતદાન

Zero Voting: મહેસાણા મહાનગરપાલિકા (મનપા) વોર્ડ-4 હેઠળ આવતા દેલા ગામના ગ્રામજનોએ આજે સવારથી સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ગામમાં આવેલા બંને મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી બપોર સુધી એક પણ મત નથી પડ્યો. આખા ગામમાં 1700 મતદારો છે, પરંતુ મતદાન શૂન્ય રહ્યું છે.

વિરોધનું કારણ

ગામના લોકોના વિરોધનું મુખ્ય કારણ એ છે કે તેમના ગામને મહેસાણા મહાનગરપાલિકામાં બળજબરીપૂર્વક સામેલ કરવામાં આવ્યું છે, જેને લઈને છેલ્લા 6-7 મહિનાથી સતત વિરોધ ચાલી રહ્યો છે. TP/DP યોજના અને 80 મીટર રિંગ રોડના નકશાના કારણે ખેડૂતોની ખેતીની જમીનમાં મોટા પ્રમાણમાં કપાત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ નિર્ણયથી ખેતી તેમજ પશુપાલન બંને પર ગંભીર અસર પડશે. તેઓ ગામ પંચાયત યથાવત રાખવાની અને મહાનગરપાલિકામાંથી મુક્તિ આપવાની માંગ કરી રહ્યા છે. ઉપરાંત, હાઈકોર્ટમાં આ મામલો પેન્ડિંગ હોવા છતાં સરકાર દ્વારા સમાવેશ કરવામાં આવ્યો હોવાનો પણ લોકો વિરોધ કરી રહ્યા છે.

ગામલોકોએ અગાઉ જ રાજકીય પક્ષો માટે નો-એન્ટ્રીના બેનર લગાવ્યા હતા અને ઢોલ વગાડીને બહિષ્કારનો ઢંઢેરો પીટ્યો હતો.

ગામમાં અત્યાર સુધી બંને મતદાન મથકો પર સંપૂર્ણ સન્નાટો જોવા મળી રહ્યો છે. પ્રાંત અધિકારી ઉર્વીશભાઈ સહિત અન્ય ચૂંટણી અધિકારીઓએ ગામમાં પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનો પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે. પૂર્વ સરપંચ કિરણ રામજી ચૌધરીએ જણાવ્યું કે આખા ગામે સર્વાનુમતે નિર્ણય લીધો છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન સંપૂર્ણપણે શૂન્ય રહેવાની સંભાવના છે.

આ વિરોધ માત્ર દેલા ગામ પૂરતો સીમિત નથી, પરંતુ આસપાસના કેટલાક ગામોમાં પણ સમાન મુદ્દે અસંતોષ જોવા મળ્યો છે. કુકસ અને તાવડિયા જેવા ગામોમાં ઓછું મતદાન નોંધાયું છે. જ્યારે, સમગ્ર વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સામાન્ય રીતે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, પરંતુ દેલા ગામ આ સમગ્ર પરિસ્થિતિમાં એક અલગ અને વિશિષ્ટ ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં સ્પષ્ટ બહિષ્કાર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: અમિત શાહે કર્યું મતદાન, નાગરિકોને લોકશાહી પર્વમાં જોડાવા કરી અપીલ

Back to top button