રાજ્યમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત્, સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાનો ઈમેલ મળ્યો

Bomb threat: તાજેતરમાં રાજ્યમાં સરકારી કચેરી, શાળાઓ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. ત્યારે આ સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. જેમાં સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી, જેને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી.
સુરત પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર આજે વહેલી સવારે અંદાજે 5 વાગ્યે એક ઈમેઈલ પ્રાપ્ત થયો હતો. આ મેઈલ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો અને તેમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. ઓફિસ ખુલતાની સાથે જ જ્યારે આ મેઈલ ધ્યાને આવ્યો ત્યારે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
ભાવનગર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ડિવિઝનલ વડાને મેઈલ દ્વારા ધમકી મળતા પોલીસ સહિતના તંત્રએ તપાસ શરૂ કરી છે. અમરેલી પોસ્ટ ઓફિસને પણ બોબ્મથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આમાં પણ મેઈલ મારફતે પોસ્ટ ઓફિસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી છે. અમરેલી ફાયર ટીમ બોમ્બ સ્ક્વોડ, સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. પોસ્ટ ઓફિસ ખાલી કરાવી શોધખોળ હાથ ધરી છે.
ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક પીપલોદ સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનો અને ડોગ્સની મદદથી ઓફિસના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પણ 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી
16 ફેબ્રુઆરીના સવારમાં 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વડોદરા શહેર-જિલ્લાની 25 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો હતો. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. લખ્યું હતું કે, ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા જ સ્કૂલોમાં વાલીઓ બાળકને લેવા દોડી આવ્યા અને સૌના જીવ તાળવે ચોંટ્યા હતાં.
બોમ્બ થ્રેટ ઈ-મેઈલથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓ પોતાના નોકરી-ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા હતાં. સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી હતી. પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ તો ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્કૂલો પર મોકલી દેવાઈ હતી. બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઇ પણ વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: ફક્ત એક વિઝાથી 29 યુરોપિયન દેશોની મુસાફરી, જાણો આ વિઝા અને તેની ખાસ સુવિધાઓ વિશે












