Hit-and-Run : લોહિયાળ શનિવાર, વડોદરા-વાપી હાઈવે પર હિટ એન્ડ રનમાં બે મોત

Accident News : વડોદરા પાસેના નેશનલ હાઈવે-48 પર ફરી એકવાર હિટ એન્ડ રનની હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક અજાણ્યા ભારે વાહનની અડફેટે 43 વર્ષીય મહિલાએ જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દંપતી લગ્ન પ્રસંગ માણીને બાઈક પર પરત ફરી રહ્યું હતું ત્યારે અંધારાનો લાભ લઈ પાછળથી પૂરપાટ ઝડપે આવતા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને હાઈવે પર લોહીના ખાબોચિયા સાથે માનવ અંગો વિખરાઈ ગયા હતા.
અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી વાહનચાલક અંધારામાં ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને માર્ગ પર વિખરાયેલા મૃતદેહના અવશેષો એકત્ર કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી હાઈવે પરના CCTV ફૂટેજના આધારે તેની શોધખોળ તેજ કરી છે.
વાપીના બલીઠા હાઈવે પર માનવતાને શર્મસાર કરતી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે માર્ગ ઓળંગતી એક અજાણી મહિલાને પૂરપાટ ઝડપે આવતા વાહને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દુર્ઘટના એટલી ગંભીર હતી કે મહિલાનો દેહ હાઈવેની વચ્ચે ફેંકાયો હતો.
સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, અકસ્માત બાદ લગભગ 20 મિનિટ સુધી અનેક વાહનો આ મૃતદેહ પરથી પસાર થતા રહ્યા, પરંતુ કોઈ ચાલકે વાહન થોભાવી માનવતા દાખવી નહીં. આ સમગ્ર ભયાનક દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે લોકોની સંવેદનહીનતા છતી કરે છે. વાપી ટાઉન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર વાહનચાલકોની શોધખોળ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ચલા CHC ખાતે ખસેડ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો :VIDEO : મેદાનમાં પ્રેમની ઝલક, જીત બાદ વિરુષ્કાની રોમેન્ટિક ફ્લાઈંગ કિસ












