બોલો, બિલાવલ કહે છે પાકિસ્તાનને આતંકવાદી મસૂદ અઝહર ક્યાં છે એ ખબર નથી! જાણો શું દાવા છે

એચડી ન્યૂઝ ડેસ્ક, 05 જુલાઇ 2025 Terrorism ભારતના સૌથી મોટા દુશ્મન અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા મસૂદ અઝહર અંગે પાકિસ્તાન તરફથી એક મોટું નિવેદન બહાર આવ્યું છે. પાકિસ્તાનમાં આ આતંકી છે કે નહીં તેની ખબર નથી અને ભારત પાસે વિગતોની અપેક્ષા રાખવામાં આવી છે. પૂર્વ વિદેશ મંત્રીએ આતંકીઓ વિશે વિવિધ દાવાઓ કર્યા છે. વાંચો વિગત.
પાકિસ્તાન તેની ધરપકડ કરવામાં ખુશ થશે!
ભારતીય સેનાના બહાદુરીભર્યા ઓપરેશન પછી, હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીનું નિવેદન બહાર આવ્યું છે જેમાં તેમણે મસૂદ પાકિસ્તાનમાં હોવાનો ઇનકાર કર્યો છે. એક માધ્યમના ઇન્ટરવ્યુમાં ભુટ્ટોએ કહ્યું કે, ઇસ્લામાબાદને ખબર નથી કે મસૂદ અઝહર ક્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે જો ભારત માહિતી આપે કે મસૂદ અઝહર પાકિસ્તાનની ધરતી પર છે, તો પાકિસ્તાન તેને ધરપકડ કરવામાં ખુશ થશે, પરંતુ ભારત પાસે આવી કોઈ નક્કર માહિતી નથી.
આ પણ વાંચો:અમદાવાદીઓ એલર્ટ: બુલેટ ટ્રેનની કામગીરીને પગલે આ બ્રિજ 23 દિવસ માટે બંધ
મોટા હુમલાઓનો માસ્ટર માઇન્ડ અઝહર
મસૂદ અઝહરનું નામ ભારતમાં ઘણા મોટા આતંકવાદી હુમલાઓ સાથે સંકળાયેલું છે. 2001નો સંસદ હુમલો, 26/11નો મુંબઈ હુમલો, 2016નો પઠાણકોટ એરબેઝ હુમલો અને 2019નો પુલવામા હુમલો શામેલ છે. 2019 માં, સંયુક્ત રાષ્ટ્રએ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો. તાજેતરમાં, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા અને આ હુમલામાં, મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો અને તેના 4 સાથીઓ માર્યા ગયા હતા.
હાફિઝ સઈદ પાકિસ્તાનમાં કસ્ડીમાં
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર અને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદને ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓના માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાન પાસેથી આ બંને આતંકવાદીઓને સોંપવાની માંગ કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન હંમેશા મસૂદની ત્યાં હાજરીનો ઇનકાર કરે છે. બિલાવલ ભુટ્ટોએ પણ તાજેતરમાં આવો જ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, હાફિઝ સઈદ પાકિસ્તાનમાં મુક્ત નથી, તે પાકિસ્તાની સરકારની કસ્ટડીમાં છે અને મસૂદ અઝહર પાકિસ્તાનમાં પણ નથી.
મસૂદ અઝહરને પાકિસ્તાન પકડી શક્યું નથી
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, અમે હજુ સુધી મસૂદ અઝહરને પકડી શક્યા નથી કે તેની ઓળખ પણ કરી શક્યા નથી. મસૂદનો અફઘાની જેહાદ સાથે લાંબો સંબંધ છે, જેને જોઈને એવું લાગે છે કે મસૂદ અફઘાનિસ્તાનમાં છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન મસૂદ અઝહર વિશે ભારતની માહિતી પર કેમ નિર્ભર છે, ત્યારે ભુટ્ટોએ કહ્યું, “જ્યારે તમે કોઈ દેશ સાથે આતંકવાદ વિરોધી સહયોગ કરો છો, ત્યારે એક દેશ બીજા દેશને આતંકવાદી જૂથો વિશે માહિતી આપે છે. આ રીતે અમે લંડનમાં હુમલાઓને નિષ્ફળ બનાવ્યા, ન્યુ યોર્કમાં હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને પાકિસ્તાનમાં પણ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.”
આ પણ વાંચો:‘સન્માન’નીય વડાપ્રધાન: ધ નરેન્દ્ર મોદીને કેટલા દેશના સર્વોચ્ચ બહુમાન મળ્યા? જાણો વિશેષ












