ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કતરમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને મોટી રાહત, હવે તેમને ફાંસી નહીં અપાય

કતર, 28 ડિસેમ્બર : કતરમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓની મૃત્યુદંડની સજા ઘટાડી દેવામાં આવી છે. ગયા વર્ષે કતરમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતરની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે રાહતની લાગણી વ્યક્ત કરી છે.

ભારતીય નૌકાદળના આ તમામ આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષના ઓગસ્ટથી કતરની જેલમાં બંધ છે. કતરે હજુ સુધી આ તમામ પૂર્વ અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે માહિતી આપી નથી. જોકે આ મામલાની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આ તમામ પર જાસૂસીનો આરોપ છે.

મૃત્યુ દંડ પર લાગી રોક

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દહરા ગ્લોબલ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નેવી ઓફિસર અંગેના આજના નિર્ણયની અમે નોંધ લીધી છે, જેમાં તેમની સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. કતરની કોર્ટ ઓફ અપીલના વિગતવાર નિર્ણયની અમે રાહ જોઈ રહ્યા છીએ. આ મુદ્દે અમારું આગળનું પગલું શું હશે તે નક્કી કરવા અમે કાનૂની ટીમ તેમજ પરિવારના સભ્યો સાથે પણ સંપર્કમાં છીએ.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કતર કોર્ટ ઓફ અપીલમાં આજે અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓની સાથે સજા પામેલા અધિકારીના પરિવારજનો પણ સાથે હતા. કેસની શરૂઆતથી અમે તેમની સાથે ઊભા છીએ અને અમે આગળ પણ તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. તેમજ, કતરના અધકરિયોઓની સામે આ મામલો ઉઠાવવાનું ચાલુ રાખીશું. મામલાની ગંભીરતા અને જરૂરી ગુપ્તતાને જોતાં, આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.

તમામ ભૂતપૂર્વ અધિકારીઓ ખાનગી કંપનીમાં કામ કરતા હતા

આ તમામ લોકો કતરની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતરી એમિરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. આ કંપનીનું નામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ છે. કંપની પોતાને કતર સંરક્ષણ, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓના સ્થાનિક ભાગીદાર તરીકે વર્ણવે છે. રૉયલ ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ અજમી આ કંપનીના સીઈઓ છે.

કતર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ મરીનમાંથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કમાન્ડર પૂર્ણન્દુ તિવારી (નિવૃત્ત) પણ છે. 2019 માં, તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પ્રવાસી ભારતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પૂર્ણન્દુ તિવારી ભારતીય નૌકાદળમાં ઘણા મોટા જહાજોની કમાન સંભાળી ચૂક્યા છે.

આ પણ વાંચો : કતરમાં ફાંસીની સજા પામેલા 8 ભારતીયો પરત ફરશે દેશ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?

Back to top button