ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો: ધોળકામાં મંદિરની દિવાલના વિવાદે ઠાકોર સેનાના 1000 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ધોળકા 23 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જ પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા સ્થાપિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના એક હજારથી વધુ સક્રિય કાર્યકરોએ કેસરીયો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ ઘટનાને પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.
મંદિરની દિવાલ તોડવાનો મુદ્દો બન્યો કારણ
ધોળકાના રામપુર ગામમાં તાજેતરમાં એક મંદિરની દિવાલ તોડવાની ઘટના બની હતી. આ મામલે સ્થાનિક ઠાકોર સમાજ અને ઠાકોર સેનાના કાર્યકરોમાં ભારે રોષ હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાસક પક્ષના દબાણ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ નારાજગીને પગલે રામપુર ખાતે ‘જન આક્રોશ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓની હાજરીમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને ભાજપ પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
સામૂહિક પક્ષપલટાથી ભાજપમાં ખળભળાટ
સભા દરમિયાન ઠાકોર સેનાના એક હજારથી વધુ કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ માત્ર ધોળકા પૂરતું મર્યાદિત નથી, ખેડામાં પણ ભાજપના 50થી વધુ હોદ્દેદારોએ કોંગ્રેસમાં જોડાઈને ભાજપની મુશ્કેલી વધારી દીધી છે. સામાન્ય રીતે અન્ય પક્ષોમાંથી ભાજપમાં ભરતી થતી હોય છે, પરંતુ અહીં સંગઠિત રીતે થયેલા પક્ષપલટાએ સ્થાનિક સમીકરણો બદલી નાખ્યા છે.
ચૂંટણી પર શું થશે અસર?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠાકોર સમાજની મતોની સંખ્યા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં પાયાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેમ જણાય છે. કોંગ્રેસે આ તકનો લાભ લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ નુકસાનની ભરપાઈ કરવા કેવા પગલાં ભરે છે.
આ પણ વાંચો: જામ ખંભાળિયા: શહેરના મુખ્ય બજારોમાં ગટરના પાણી ફરી વળ્યા, પાલિકાના દાવાઓ વચ્ચે નગરજનો ગંદકીથી ત્રાહિમામ












