ટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુ: ક્રિકેટ મેચ દરમિયાન એક યુવાનની ક્રૂરતાથી હત્યા, આરોપીની ધરપકડ

બેંગલુરુ: સિલિકોન સિટી વિસ્તારમાં રવિવારે રાત્રે એક ભયાનક ઘટના બની. શરૂઆતમાં જેને અકસ્માત તરીકે દર્શાવવામાં આવ્યું હતું તે હવે હત્યામાં ફેરવાઈ ગયું છે. ક્રિકેટ મેચ દરમિયાન થયેલો સામાન્ય ઝઘડો એટલી હદે વધી ગયો કે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

મૃતક યુવકની ઓળખ પ્રશાંત (28) તરીકે થઈ છે, જે વીરસાંદ્રાનો રહેવાસી હતો. હત્યાનો શંકાસ્પદ રોશન હેગડે છે, જે કે.આર. પુરમનો રહેવાસી છે. કમ્મસાંદ્રામાં M5 મોલની પાછળના મેદાનમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી, જેમાં પ્રશાંતની ટીમ મેચ હારી ગઈ હતી, જેના કારણે તે નારાજ હતો. મેચ પછી, મેદાનમાં બીયર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પ્રશાંત અને રોશન વચ્ચે સિગારેટ લાઇટરને લઈને ઝઘડો થયો હતો.

ઝઘડો વધુ વકરતાં, તેઓએ એકબીજા પર બીયરની બોટલોથી હુમલો કર્યો. ઝઘડામાં આરોપી રોશનને જીભમાં ગંભીર ઈજા થઈ. તે ભાગવા માટે પોતાની કારમાં બેસી ગયો. જોકે, પ્રશાંતે તેને જવા દેવાનો ઇનકાર કર્યો અને કારની ડાબી બારી પકડીને તેને રોકવા માટે બૂમો પાડી.

પ્રશાંત કારની બારીમાંથી લટકી રહ્યો હતો, પરંતુ રોશન દુર સુધી ફુલ સ્પીડે ગાડી ચલાવતો રહ્યો. જ્યારે પ્રશાંત દરવાજો છોડતો નહતો, ત્યારે રોશને કારને રસ્તાની બાજુના ઝાડ અને કમ્પાઉન્ડ વચ્ચે અથડાવી દીધી. ટક્કર એટલી ગંભીર હતી કે પ્રશાંત ઝાડ અને કાર વચ્ચે ફસાઈ ગયો અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ ભયાનક દ્રશ્ય કારના ડેશકેમ અને સીસીટીવી કેમેરામાં કેદ થયું.

ઘટના પછી તરત જ, 112 હેલ્પલાઇન પર ફોન કર્યો અને અકસ્માત થયો હોવાનુ કહ્યું. જોકે, જ્યારે પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી અને ડેશકેમ ફૂટેજની સમીક્ષા કરી, ત્યારે તેમને જાણવા મળ્યું કે તે ઇરાદાપૂર્વકની હત્યા હતી. પોલીસે ઘટનાના એક કલાકમાં જ આરોપી રોશન હેગડેની ધરપકડ કરી લીધી. રોશન પણ ઘાયલ છે અને તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રશાંતની માતા અનુએ ન્યાયની માંગણી કરતી વખતે રડતાં રડતાં કહ્યું, “મારો દીકરો 33 વર્ષનો થવાનો હતો. અમે બે મહિનામાં તેના લગ્ન માટે નવું ઘર બનાવી દીધું હતું. જો તેણે ભૂલ કરી હતી, તો તેને ચાર થપ્પડ મારીને પાઠ ભણાવવો જોઈતો હતો, પણ આ રીતે હત્યા ન કરવી જોઈતી હતી.” માતાની ફરિયાદના આધારે, હેબ્બાગોડી પોલીસે હત્યાનો કેસ (કલમ 302) નોંધ્યો છે.

આ પણ વાંચો: 1 દર્દી, 100 શંકાસ્પદ… શું બંગાળમાં કોઈ સાયલન્ટ કિલર ચોરીછૂપીથી ફેલાઈ રહ્યું છે? પડોશી દેશો એલર્ટ પર

Back to top button