બનાસકાંઠા: દૂધવા ગામે જૂથ અથડામણ, પરિવાર પર હુમલો કરી યુવતીને ઉપાડવાની ધમકી

- તીર્થ ગામના 40થી 50 જેટલા લોકો ગામમાં ઘૂસી આવ્યા
- હુમલા પાછળનું કારણ સામાજિક બાબત હોવાનું સામે આવ્યું
- પોલીસે હુમલો કરનાર ટોળાને ઝડપવા તપાસ શરૂ કરી છે
બનાસકાંઠા જિલ્લાના સુઇગામ પાસે આવેલા દૂધવા ગામે સામાજિક બાબતે બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની છે. જેમાં તીર્થ ગામના 40થી 50 જેટલા લોકોનું ટોળું દૂધવા ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક પરિવાર પર હુમલો કર્યો હતો.
હુમલા પાછળનું કારણ સામાજિક બાબત હોવાનું સામે આવ્યું
ઉલ્લેખનીય છે કે આ હુમલા પાછળનું કારણ સામાજિક બાબત હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ ધોકા તેમજ ગળદા-પાટુ વડે પરિવારના સભ્યોને માર માર્યો હતો. એટલું જ નહીં, હુમલો કરનાર ટોળાએ પરિવારની યુવતીને ઉપાડી જવાની પણ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. હુમલા સમયે 40થી 50 લોકોના ટોળામાં કેટલાય લોકો નશાની હાલતમાં હતા તેવો આરોપ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
આ અથડામણ અને હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પરિવારના સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને બનાવ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલો કરનાર ટોળાને ઝડપવા તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો “ગંદો” ધંધો












